ડોંબિવલીમાં લોકલ ટ્રેનમાંથી ઉતરવા જતા પાંચ મહિલા બની આનો ભોગ
મુંબઈઃ મધ્ય રેલવેમાં ડોંબિવલી રેલવે સ્ટેશને લોકલ ટ્રેનમાંથી ઉતરવાના કિસ્સામાં પાંચ મહિલા પ્રવાસીને ઈજા પહોંચી હતી, પરંતુ સદ્નસીબે મહિલાઓને વધુ કંઈ વાગ્યું નહોતું. મંગળવારે સવારે કસારાથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) જતી ફાસ્ટ લોકલ ટ્રેનમાં આ બનાવ બન્યો હતો. લોકલ ટ્રેનમાંથી ઉતરવા જતી વખતે પાંચ મહિલા પ્રવાસી પ્લેટફોર્મ પર પડી જવાની ઘટના બની હતી. આ ઘટનામાં મહિલાઓને સામાન્ય ઈજા પહોંચી હતી ત્યાર બાદ સ્ટેશન પર આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ની કોન્સ્ટેબલોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
કસારા સીએસએમટી ફાસ્ટ ટ્રેનમાં શહાડ અને ટિટવાલા સ્ટેશનથી ચડેલી આ પાંચ મહિલાઓને ડોમ્બિવલી સ્ટેશન પર ઊતરવું હતું, પણ ટ્રેનમાં ચઢનારી ભીડે તેમને ઉતારવા દીધા નહોતા. જોકે, ટ્રેનમાંથી ઉતારવા ન મળતા આ મહિલાઓએ લોકોને ધક્કો મારી ઉતારવાનો પ્રયત્ન કરતાં તેઓ પ્લેટફોર્મ પર પડ્યા હતા.
આ ઘટનાની માહિતી મળતા રેલવે સુરક્ષા દળની પોલીસ ટીમે મળી જખમી મહિલાઓને સ્ટેશન મેનેજરોની ઓફિસમાં લઈ જઈ તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રવાના કરી દેવામાં આવ્યા હતા. મધ્ય રેલવેમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં સવારે એટ્લે પીક અવર્સમાં ભારે ભીડ હોય છે.
ખાસ કરીને ફાસ્ટ ટ્રેનો કલ્યાણ, ડોમ્બિવલી, થાણે, ઘાટકોપર, કુર્લા, દાદર, ભાયખલા વગેરે મુખ્ય સ્ટેશનો પર હોલ્ટ આપવામાં આવે છે, જેથી કામકાજના સ્થળે ઝડપથી પહોચવા પ્રવાસીઓ ફાસ્ટ ટ્રેનનો ઉપયોગ કરે છે. ફાસ્ટ ટ્રેનો માત્ર આ સાત સ્ટેશનો પર હોલ્ટ મળતો હોવાને કારણે અનેક વખત લોકો ચાલતી ટ્રેનમાં ચડતા યા ઉતરતા દુર્ઘટનાનો શિકાર બને છે.