અહેમદનગર જિલ્લામાં કારચાલકે પાંચ મજૂરને કચડ્યા: ત્રણનાં મોત

મુંબઈ: અહેમદનગર જિલ્લાના કલ્યાણ-અહેમદનગર હાઈવે પર ડિંગોર ગામ નજીક આજે સવારે એક ઝડપી કારે પાંચ મજૂરોને કચડી નાખ્યા અને ડ્રાઈવર કાર સાથે ભાગી ગયો. આ ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા છે અને બે મજૂરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના પાંચ મજૂરો સોમવારે સવારે ડિંગોર ગામ નજીક ખેતીના કામ માટે હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવતી કારે પાંચ મજૂરને કચડી નાખ્યા હતા અને કાર સહિત સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં મજૂર જગદીશ મહેન્દ્ર સિંહ ડાવર અને સુરમલ માંજરેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે દિનેશ તરોલે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતમાં ઘાયલ અન્ય બે મજૂરની સારવાર આલેપાડા સ્થિત હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતનો કેસ નોંધીને પોલીસ વધુ તપાસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.