આમચી મુંબઈ

ઉપનગરમાં પાંચ દિવસે પાણીપુરવઠો પૂર્વવત્

  • અંધેરીમાં પાઈપલાઈનનું કામ ૫૦ કલાકથી વધુ ચાલ્યું
  • અડધા મુંબઈને હેરાન કરનારા કૉન્ટ્રેક્ટરને દંડાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગભગ પાંચ દિવસ બાદ પશ્ર્ચિમ ઉપનગર સહિત પૂર્વ ઉપનગરના વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્વવત્ થયો હતો. અંધેરી (પૂર્વ)માં વેરાવલી સર્વિસ રિઝર્વિયરને પાણીપુરવઠો કરનારી મુખ્ય પાઈપલાઈનમાં થયેલા ગળતરનું સમારકામ ૫૦ કલાકથી વધુ સમય ચાલ્યા બાદ સોમવારે સવારે તે પૂરું થયું હતું. એ બાદ તબક્કાવાર ઉપનગરના જુદા જુદા વિસ્તારમાં પાણીપુરવઠો કરવામાં આવ્યો હોવાનો દાવો પ્રશાસને કર્યો હતો. આ દરમિયાન અડધી મુંબઈને પાણી માટે રડાવવા માટે કારણભૂત રહેલા કૉન્ટ્રેક્ટરને નોટિસ મોકલીને દંડ વસૂલાશે એવું પ્રશાસને કહ્યું હતું.
પાઈપલાઈનમાં થયેલા ગળતરને કારણે વેરાવલી એક, બે અને ત્રણ તેમ જ ઘાટકોપર એમ ચાર સર્વિસ રિઝર્વિયરમાંથી થનારા પાણીપુરવઠાને અસર થઈ હતી. અંધેરીની વેરાવલી સર્વિસ રિઝર્વિયરની ૧,૮૦૦ મિલિમીટર વ્યાસની મુખ્ય પાઈપલાઈન જે ઠેકાણે ગળતર હતું તે પાઈપલાઈન જમીનમાં લગભગ છ મીટર નીચે આવેલી છે. આ પરિસરમાં તાજેતરમાં બાંધકામ થયા બાદ જમીનમાં ભરણી પૂર્વવત્ કરવામાં આવી હતી. તેથી ખોદકામ દરમિયાન માટી સતત પાઈપલાઈન પર પડી રહી હતી. મુખ્ય પાઈપલાઈનને સંપૂર્ણ રીતે ખાલી કરવા માટે પાણીનો નિકાલ કરવો અને તે સમયે જ સમારકામ માટે ખોદકામ કરવાને કારણે તે ઠેકાણે જમીન ધસી પડવાનું જોખમ પણ હતું. એટલું જ નહીં પણ આ પાઈપલાઈનમાં અનેક જગ્યાએ ગળતર હતા. તેથી પાઈપલાઈન પૂર્ણ રીતે ખાલી થયા બાદ તેમાં અંદર જઈને પડેલા છીદ્ર પૂરવાનું કામ પડકારજનક હતું.
પાલિકાના પાણીપુરવઠાના અધિકારીના કહેવા મુજબ ભાંડુપ કૉમ્પલેક્સમાંથી પાઈપલાઈનમાં આવનારું પાણી બંધ કરવામાં આવ્યા બાદ પણ પાઈપલાઈનમાં રહેલા પાણીને બહાર કાઢવા માટે અન્ય કોઈ પણ જગ્યા ન હોવાથી ગળતરને ઠેકાણે જ તમામ પાણીને બહાર કાઢવાનું કામ પણ મુશ્કેલીભર્યું રહ્યું હતું. તેથી બહારથી સમારકામ કરવા માટે પાઈપલાઈનમાં બે મૅનહોલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સમારકામ શનિવારથી રવિવાર સવાર સુધીમાં પૂરું કરવાનું લક્ષ્યાંક પાલિકાએ રાખ્યું હતું. જુદા જુદા કારણથી અને ટેક્નિકલી અત્યંત પડકારજનક કામ પૂરું કરવામાં પાલિકાને ૫૦ કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો અને સોમવાર મોડી સાંજ બાદ જુદા જુદા વિસ્તારમાં તબક્કાવાર વિસ્તારમાં પાણીપુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ગુુુરુવારે અંધેરીમાં સીપ્ઝ ગેટ નંબર ૩ અને ઈંડિયન ઓઈલ પેટ્રોલ પંપ નજીક ૧,૮૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં મેટ્રો લાઈન માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન લીકેજ થયું હતુંં. એટલે ગુરુવારથી બાંદ્રાથી પશ્ર્ચિમ ઉપનગરમાં બાંદ્રાથી લઈને જોગેશ્ર્વરી સુધીના વિસ્તાર અને પૂર્વ ઉપનગરમાં કુર્લા, ઘાટકોપર સહિત અનેક વિસ્તારમાં પાણીના ભારે ધાંધિયા થયા હતા. પાલિકાએ આ સમય દરમિયાન જુદા જુદા વિસ્તારમાં પોતાના તથા ખાનગી ટેન્કરોની મદદથી પાણીનો પુરવઠો કર્યો હોવાનો દાવો કર્યો હતો. છતાં અનેક વિસ્તારમાં પાણી માટે નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. સોમવારના સવારના સમારકામ પૂરું થતા મોડી સાંજ સુધીમાં પશ્ર્ચિમ ઉપનગર સહિત પૂર્વ ઉપનગરના વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્વવત્ઽથયો હતો.
કૉન્ટ્રેક્ટરને દંડાશે
પાંચ દિવસ સુધી પશ્ર્ચિમ ઉપનગરના મોટાભાગના વિસ્તારમાં પાણી માટે નાગરિકોને ભારે હેરાનગતી થઈ હતી. નાગરિકોને પાણી માટે થયેલી તકલીફ માટે કૉન્ટ્રેક્ટર જવાબદાર ગણીને તેને નોટિસ મોકલીને તેની પાસેથી આવશ્યક દંડ વસૂલવામાં આવવાનો છે. પાલિકા પ્રશાસનના કહેવા મુજબ સંબંધિત કૉન્ટ્રેક્ટરને નોટિસ મોકલવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે, જેમાં પાઈપલાઈનને નુકસાન પહોંચાડેલું નુકસાન, સમારકામ માટે તમામ યંત્રણા માટે કરેલો ખર્ચ, વેડફાઈ ગયેલા પાણીનો નિયમઅનુસાર દંડ એમ તમામ રકમ વસૂલ કરવામા આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…