મીરા-ભાયંદરમાં શરુ થશે રાજ્યનું પહેલું સંગીત ગુરુકુળ
મીરા રોડ: રાજ્યનું પહેલું સંગીત ગુરુકુળ ભારતરત્ન લતા મંગેશકરના નામે મીરા-ભાયંદર શહેરમાં શરુ કરવામાં આવનાર છે. 25 કરોડ રુપિયાના ખર્ચે શરુ થનાર આ સંગીત વિદ્યાલયનું ભૂમી પૂજન બુધવારે, 27મી સપ્ટેમ્બરના રોજ થશે તેવી જાણકારી વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે પત્રકારોને આપી હતી. આ સંગીત વિદ્યાલયને કારણે મીરા-ભાયંદરની નવી ઓળખ ઊભી થશે. તથા સંગીત પ્રેમીઓ અને નાવ ગાયકો માટે એક સારી તક પણ ઊભી થશે એમ પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું.
મુંબઇને અડીને આવેલ મીરા-ભાયંદરમાં કલાકારો, સંગીત તથા કલા પ્રમીઓની સંખ્યા ઘણી મોટી છે. ત્યારે હવે સંગીત વિદ્યાલયને કારણે આ શહેરને એક નવી ઓળખ મળશે. ભારતરત્ન લતા મંગેશકરની સ્મૃતી કાયમ રહે તે માટે મીરા-ભાયંદર શહેરમાં સંગીત ગુરુકુલ શરુ કરવાનો પ્રસ્તાવ વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સામે મૂક્યો હતો. મુખ્ય પ્રધાને આ પ્રસ્તાવને માન્યતા આપી સંગીત ગુરુકુળ શરુ કરવા માટે 25 કરોડ રુપિયાનું ફંડ મંજૂર કર્યું છે.
મીરા રોડના પાલિકાના આરક્ષિત પ્લોટ નંબર 246માં આ ગુરુકુળ બનાવવામાં આવશે. આ ગુરુકુળની ઇમારત પણ સંગીત ક્ષેત્રને શોભે તેવી બનાવવામાં આવનાર છે. આ કામ માટેની ટેન્ડર પ્રક્રિયા પાલિકાએ પૂર્ણ કરી હોવાથી હવે કાર્યાદેશ આપીને કામ શરુ કરવામાં આવશે.
આ ગુરુકુલમાં સંગીતનો ત્રણ વર્ષનો અભ્યાસક્રમ હશે. મુંબઇ યુનિવર્સિટીના સંગીત વિભાગ સાથે આ સંગીત ગુરુકુલ સંલગ્ન કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જેને કારણે મીરા-ભાયંદરમાં સંગીતની ડિગ્રી મેળવી શકાશે એવું નિવેદન મુખ્ય પ્રધાનને કરાવમાં આવ્યું છે તેવી જાણકારી પ્રતાપ સરનાઇકે આપી હતી.
28 સપ્ટેમ્બરના રોજ લતા મંગેશકરનો જન્મ દિવસ છે. તેના એક દિવસ પહેલાં એટલે કે 27મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગે આ સંગીત ગુરુકુળની ઇમારતનું ભૂમી પૂજન થશે. આ કાર્યક્રમમાં પીઢ ગાયીકા મીનાતાઇ ખડીકર, ઉષા મંગેશકર તથા મંગેશકર પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. ઉપરાંત આ જ દિવસે લતા મંગેશકર નાટ્યગૃહમાં લતાયુગ નામે ગીતોનો કાર્યક્રમ પણ યોજાશે.