કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો ૩૧મી જાન્યુઆરીએ નહીં, નવમી ફેબ્રુઆરીએ ખુલ્લો મુકાશે: પાલિકા
મુંબઈ: કોસ્ટલ રોડના વરલીથી મરીન ડ્રાઈવના પ્રથમ તબક્કા પર ૩૧ જાન્યુઆરી સુધીમાં વાહનો દોડતા થઈ જશે એવી ઘોષણા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી એના એક દિવસ પછી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અલગ તારીખ જાહેર કરવામાં આવી છે. પાલિકા કમિશનર આઈ. એસ. ચહલના કહેવા અનુસાર આ પટ્ટો નવમી ફેબ્રુઆરી આસપાસ શરૂ કરવામાં આવશે. શ્રી ચહલના કહેવા અનુસાર કોન્ટ્રેક્ટરો કામ પૂર્ણ કરી ૩૧ જાન્યુઆરીએ એ પટ્ટાનો હવાલો પાલિકાને સોંપી દેશે. ત્યારબાદ પ્રાયોગિક ધોરણે થોડા દિવસ માટે વાહનો દોડાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર આ કોસ્ટલ રોડના ઉદ્ઘાટન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાય એવી સંભાવના છે.
પાલિકા કમિશનરે આપેલી જાણકારી અનુસાર આ પટ્ટો સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે આઠ વાગ્યાથી રાતના આઠ સુધી ખુલ્લો રાખવામાં આવશે. શનિ – રવિ એ બંધ રાખવામાં આવશે જેથી બાકીના માર્ગ પરનું કામકાજ પૂર્ણ કરી શકાય. અલબત્ત જો મોટા પાયે માગણી કરાય તો ક્ષણવાર – રવિવારે ચાલુ રાખવા વિચાર કરવામાં આવશે. ૧૨ કલાક માટે આ પટ્ટો કાર્યરત રાખવાનું કારણ એ છે કે બીજી તરફ બાકી રહેલું કામ આસાનીથી પૂરું કરી શકાય. કોસ્ટલ રોડ સિમેન્ટ કોંક્રિટનો બન્યો હોવાથી આગામી ૩૦ વર્ષ સુધી કોઈ મોટા સમારકામની જરૂર નહીં પડે. આ રોડ બાંધવાની શરૂઆત ૨૦૧૮માં થઈ હતી અને ત્યારે ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ગણતરી હતી. જોકે, કાનૂની ગૂંચ અને કોવિડને કારણે થયેલા લોકડાઉનને કારણે વિલંબ થયો.ઉ