મુંબઈની બેઠકો સહિત શિંદેસેનાના 45 ઉમેદવારના નામ જાહેર, સગાવ્હાલાને પણ તક
મુંબઈઃ ભાજપ બાદ એકનાથ શિંદેની શિવસેનાની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં 45 ઉમેદવારના નામ જાહેર થયા છે. યાદીમાં મુંબઈની બેઠકોનો પણ સમાવેશ થાય છે ત્યારે શિંદેએ પણ નેતાઓના પરિવારજનોને તક આપી છે.
ખુદ એકનાથ શિંદે મુંબઈને અડીને આવેલા કોપરી પાંચપખાડીથી ચૂંટણી લડશે. જ્યારે તેમના પક્ષના મંત્રી ગુલાબરાવ પાટીલ જલગાંવ ગ્રામીણથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના બીજા મિનિસ્ટર દાદાજી ભુસે, ઉદય સામંત અને તાનાજી સામાંત અનુક્રમે માલેગાંવ, રત્નાગિરી અને પરાંદેથી ચૂંટણી લડશે.
મુંબઈની બેઠકોની વાત કરીએ તો રાજકીય રીતે સૌથી ચર્ચામાં રહેશે માહિમની બેઠક કારણ કે આ બેઠક પરથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેને ટિકિટ આપી છે જ્યારે શિંદેસેનાએ સદા સરવણકરને તેમની સામે ઊભા રાખ્યા છે. આ સાથે જ મનસેનું મહાયુતી સાથેના જોડાણ કે બહારથી સમર્થનની અફવાઓ પર બ્રેક લાગી ગઈ છે.
આ ઉપરાંત જોગેશ્વરી પૂર્વથી રવિન્દ્ર વાયકરના પત્ની મનીષા વાયકર, માગાઠાણેથી પ્રકાશ સુર્વે, ચાંદીવલીથી દિલીપ લાંડે, ભાયખલ્લાથી યામિની જાધવ, કુર્લાથી મંગેશ કુડાળકરને ટિકટ આપવામાં આવી છે.
Also Read – એમવીએ અને મહાયુતીમાં ફાયનલ થયું સિટ શેરિંગ? કોના ભાગે શું આવ્યું જાણો…
પરિવારવાદનો સિલસિલો તો અહીં પણ યથાવત રહ્યો છે. વાયકરના પત્ની ઉપરાંત રાજાપુરથી કિરણ સાવંતને ટિકિટ આપવામાં આવી છે, જે મંત્રી ઉદય સામંતના ભાઈ છે, અનિલ બાબરના પુત્ર સુહાસ બાબરને ખાનાપુરથી, જ્યારે આનંદ અડસુલના પુત્ર અભિજીતને દરિયાપુરથી ટિકિટ આપવામાં આવી છે. પૈઠણથી પણ સાંદીપન ભુમરેના પુત્ર વિલાસ ભુમરેને ટિકિટ આપવામાં આવી છે.
जय महाराष्ट्र
हिंदुहृदयसम्राट वंदनीय शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे आणि वंदनीय धर्मवीर आनंद दिघे साहेबांच्या आशीर्वादाने महाराष्ट्र विधानसभा निवडणूक – २०२४ साठी शिवसेना पक्षाच्या अधिकृत उमेदवारांची यादी जाहीर करण्यात येत आहे.
सर्व उमेदवारांना विजयी शुभेच्छा.@Shivsenaofc… pic.twitter.com/0rBkOkMTMU— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) October 22, 2024
જૂન 2022માં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડી પોતાની શિવસેનાની રચના કરી હતી અને ભાજપ સાથે સત્તામાં ભાગીદાર બન્યા હતા. આ તેમની પહેલી ચૂંટણી છે અને તેમના માટે અસ્તિત્વનો મુદ્દો છે.