એનડીએ પાસિંગ આઉટ પરેડમાં મહિલા કેડેટ્સની પહેલી બેચ: રાષ્ટ્રપતિ મુર્મૂએ કરી પ્રશંસા
પુણે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે પુણેના ખડકવાસલા ખાતે નેશનલ ડિફેન્સ એકેડમીના ૧૪૫મા કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી અને કૂચની ટુકડીમાં મહિલા કેડેટ્સની પ્રથમ બેચની ભાગીદારી પર આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગને ઐતિહાસિક દિવસ ગણાવતા મુર્મૂએ મહિલા કેડેટ્સને શુભકામનાઓ પાઠવી, અને નોંધ્યું કે દીકરીઓને તેમની પસંદગીની કારકિર્દી પસંદ કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. એનડીએને દેશની શ્રેષ્ઠ તાલીમ સંસ્થાઓમાંની એક ગણાવીને તેમણે કહ્યું કે એનડીએ “નેતૃત્વનું પારણું છે અને કેડેટ્સને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે નવી તકનીકો શીખીને અને અપનાવીને આગળ વધવા જણાવ્યું હતું. લગભગ ૧૫ મહિલા કેડેટ્સે તેમના પુરુષ સમકક્ષો સાથે પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, “આપણા દળો દેશની એકતા અને અખંડિતતાની ભાવનાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતી કોઈપણ બાહ્ય અથવા આંતરિક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સક્ષમ અને તૈયાર છે. મુર્મૂએ મૈત્રીપૂર્ણ દેશોના વિદેશી કેડેટ્સને પણ તેમનો અભ્યાસક્રમ પૂરો કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મુર્મૂએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો કે એનડીએમાં મળેલી તાલીમ અને જીવન મૂલ્યો હંમેશા કેડેટ્સને જીવનમાં આગળ વધવામાં મદદ કરશે. તેમણે કેડેટ્સને ભવિષ્યના પડકારોનો સામનો કરવા નવી ટૅકનોલૉજી શીખીને અને અપનાવીને આગળ વધવા જણાવ્યું હતું. મુર્મૂએ વધુમાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો કે તેઓ સશસ્ત્ર સેવાઓના મૂલ્યોને આગળ વધારતા દરેક પડકારનો હિંમત અને બહાદુરી સાથે સામનો કરશે અને કહ્યું કે ભારતની સરહદોનું રક્ષણ અને આંતરિક સુરક્ષા શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે જરૂરી છે. (પીટીઆઈ)