આમચી મુંબઈમનોરંજન

સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગઃ હુમલાખોરોની તસવીરો વાઈરલ

શૂટરોએ બે દિવસથી પરિસરમાં રૅકી કરી?

મુંબઈઃ બોલીવુડના જાણીતા અભિનેતા સલમાન ખાન ઉર્ફે ભાઈજાનના ઘરની બહાર બે અજાણ્યા શખસે ઓપન ફાયરિંગ કર્યાની ઘટનાથી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે આ બનાવથી સુરક્ષા પ્રશાસન સતર્ક બની ગયું છે. આ હુમલાના કેસમાં ગુનો નોંધીને એક કિલોમીટર દૂરથી બાઈક મળ્યા પછી હવે હુમલાખોરોના ફોટોગ્રાફ વાઈરલ થઈ રહ્યા છે. બે હુમલાખોરોમાં એક બ્લેક એન્ડ વ્હાઈટ ટી-શર્ટ અને બીજાએ લાલ ટી-શર્ટ પહેરી છે. બે હુમલાખોરો બાઈક પર આવીને હવામાં ફાયરિંગ કર્યું હતું, જ્યારે બંનેએ હેલ્મેટ પહેર્યું હતું, તેથી ઓળખ થઈ નથી. આમ છતાં આ કેસમાં પોલીસની સાથે વિવિધ એજન્સીએ તપાસ હાથ ધરી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

બાન્દ્રાના ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર કરનારા શૂટરોએ બે દિવસથી સમગ્ર પરિસરની રૅકી કરી હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું. ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે બાઈક પર આવેલા બન્ને શખસ પ્રોફેશનલ શૂટર્સ હોવાનું જણાઈ રહ્યું છે. ગોળીબારની ઘટના ગૅલેક્સી એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. ગોળીબાર પછી બન્ને શૂટર બાઈક પર પવન વેગે ફરાર થઈ ગયા હતા. ગૅલેક્સી એપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડ અને સલમાનના ગાર્ડે બાઈકનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી હાથ લાગ્યા નહોતા.

પોલીસનું કહેવું છે કે શૂટરોએ પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાંથી એક ગોળી ઑપન વિન્ડો ગૅલેરી તરફ ફાયર કરાઈ હતી, જ્યારે બીજી બિલ્ડિંગની દીવાલને વાગી હતી. ત્રીજી ગોળી એક દુકાનના બોર્ડ સાથે ટકરાઈ હતી અને ચોથી ગોળી હવામાં ફાયર કરાઈ હતી. પાંચમી ગોળી પોલીસને ઘટનાસ્થળેથી જ મળી આવી હતી. ગોળીબાર પછી શૂટરો મેહબૂબ સ્ટુડિયોની દિશામાં ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસ અનુસાર આરોપીઓએ બે દિવસથી રૅકી કરી હતી. ગોળીબાર પછી કયા માર્ગે ફરાર થવું તેનો અભ્યાસ કર્યો હશે. રવિવારે મળસકે ત્રણ વાગ્યે સલમાન ઘરે આવ્યો તેની જાણ થયા પછી આરોપીઓએ ગોળીબાર કર્યો હતો. એ સિવાય પોલીસની એક વૅન સુરક્ષા માટે ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ઊભી રહી છે. આ વૅન રવિવારે એપાર્ટમેન્ટ બહાર ન હોવાનું પણ શૂટરોએ નોંધ્યું હશે.

દરમિયાન પોલીસની પચીસથી ત્રીસ ટીમ શૂટરોની શોધમાં લાગી છે. મુંબઈની લોજ, હોટેલ્સ, ટ્રેન અને બસોમાં પોલીસની ટીમ શોધ ચલાવી રહી છે.

સલમાનના નિવાસસ્થાન ફરતેની સુરક્ષામાં વધારો

છેલ્લા એક વર્ષથી અભિનેતા સલમાન ખાનને મળી રહેલી ધમકીથી પોલીસે તેની સુરક્ષામાં વધારો કર્યો હતો. અભિનેતાને વાય પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. એ સિવાય તેના પોતાના ખાનગી બૉડીગાર્ડ્સ પણ છે. જોકે રવિવારે બનેલી ગોળીબારની ઘટના પછી પોલીસે ગૅલેક્સી એપાર્ટમેન્ટ ફરતેની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.

ગયા વર્ષના માર્ચમાં સલમાનની ઑફિસને એક ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. મેઈલમાં સલમાનને ધમકી આપવામાં આવી હતી. તે સમયે બાન્દ્રા પોલીસે લૉરેન્સ બિશ્ર્નોઈ અને ગોલ્ડી બ્રાર સહિત અન્યો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે આર્ટિસ્ટ મૅનેજમેન્ટ કંપની ચલાવતા પ્રશાંત ગુંજાળકરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જોકે તે પહેલાં જૂન, 2022માં સલમાન ખાનના પિતા અને ફિલ્મ રાઈટર સલીમ ખાનને બાન્દ્રા બેન્ડસ્ટેન્ડની એક બૅન્ચ પરથી ચિઠ્ઠી મળી હતી. ચિઠ્ઠીમાં પંજાબના સિંગર સિધુ મૂસેવાલા સાથે જે થયું એવા હાલ સલમાનના પણ થશે, એવું લખવામાં આવ્યું હતું. ગૅન્ગસ્ટર લૉરેન્સે એક ન્યૂઝ ચૅનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સલમાન ખાનની હત્યાની ખૂલેઆમ ધમકી આપી હતી. તે સમયે લૉરેન્સે કહ્યું હતું કે સલમાને રાજસ્થાનમાં કાળિયારને માર્યું તે માટે તેણે માફી માગવી જોઈએ. માફી માગવા માટે તેણે બિકાનેરના મંદિરમાં જવું પડશે. જો સલમાન આવું નહીં કરે તો તેને મારી નાખવામાં આવશે, એવી ધમકી લૉરેન્સે આપી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત