મુંબઈ ફાયરબ્રિગેડના કાફલામાં ‘ફાયર રોબોટ્સ’નો સમાવેશ કરાશે
મુંબઈ: મુંબઈની બહુમાળી ઈમારતોમાં ભીષણ આગ લાગ્યા પછી તાત્કાલિક આગને નિયંત્રણમાં લાવવા માટે મુશ્કેલી પડતી હોય છે. ગગનચૂંબી ઈમારતો, ઝૂપડાઓમાં કે અન્ય સ્થળોએ આગ બુઝાવવામાં મદદરૂપ થતા ફાયરબ્રિગેડને ઘણી વાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી આગને તાત્કાલિક કાબૂમાં લાવવા અને કર્મચારીઓને જોખમ ઘટાડવા માટે માર્ચના અંતમાં ફ્રાન્સથી વધુ બે ‘ફાયર રોબોટ્સ’ મુંબઈ લાવવામાં આવશે, એવી માહિતી મુંબઈ ફાયર બ્રિગેડના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.
ફાયર બ્રિગેડમાં હાલમાં એક રોબોટ કામ કરી રહ્યો છે. ૨૦૧૬-૧૭થી ૨૦૨૨-૨૩ સુધીના સાત વર્ષમાં શહેરમાં આગની કુલ ૩૩,૪૧૪ ઘટનાઓ બની છે. હાલમાં ફાયર બ્રિગેડમાં વિવિધ આધુનિક સિસ્ટમો કાર્યરત છે, પરંતુ આગળ વધીને અત્યાધુનિક સિસ્ટમ અપનાવવાનું મુંબઇ ફાયરબ્રિગેડે નક્કી કર્યું છે. આ અંતર્ગત બે ‘ફાયર રોબોટ’ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ રોબોટ્સ ઝૂંપડપટ્ટી, સાંકડી શેરીઓમાં જઈને આગ ઓલવી શકશે, જ્યાં ફાયરમેન માટે જવું મુશ્કેલ છે. તેમની કિંમત સાડા સાત કરોડ રૂપિયાથી વધુ છે. બેટરીથી ચાલતો આ રોબોટ આઠ કલાક સુધી ચાલી શકે છે. જો બેટરી સમાપ્ત થઈ જાય, તો બીજી તરત જ ઉમેરી શકાય છે. તે ૫૦૦ મીટર લાંબે અને ૫૫ મીટર ઉંચે સુધી પાણી છાંટવાની ક્ષમતા ધરાવે છે. ગાઢ ધુમાડામાં પણ આ રોબોટ બિલ્ડિંગની સીડીઓ પર ચઢીને આગ ઓલવી શકશે. તેમની પાસે કેમેરા અને સ્ક્રીન પણ હશે, જેથી ઘટનાની ગંભીરતાનું અનુમાન લગાવી શકાશે.