મુલુંડની બહુમાળી ઈમારતમાં આગઃ એક મહિલાનું મોત

મુંબઈઃ શહેરમાં આગજનીના બનાવોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેમાં થાણેના અંબરનાથમાં ગેસ લીકેજના અહેવાલ વચ્ચે મુલુંડમાં ભીષણ આગ લાગ્યાનો બનાવ બન્યો છે. મુલુંડની બહુમાળી ઈમારતમાં આગ લાગ્યા પછી અફરાતફરીના માહોલનું નિર્માણ થયું હતું. આ આગના બનાવમાં 68 વર્ષની મહિલાનું મોત થયું હતું.
આગ લાગ્યાના બનાવ પછી સમગ્ર બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. નવમા માળે આગ લાગ્યાના અહેવાલ સાથે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગને નિયંત્રણમાં લેવાના પ્રયાસો સાથે અમુક લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આગ લાગવા માટે ચોક્કસ કારણ જાણી શકાયું નથી, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
આજે બપોરના 12.24 વાગ્યાના સુમારે મુલુંડના એલબીએસ રોડ સ્થિત ભાંડુપ સોનપુર સિગ્નલ સ્થિત ઓપલ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. અહીંની ગ્રાઉન્ડ પ્લસ 16 માળની ઈમારતના નવમા માળે આગ લાગી હતી. આગમાં સપાડાયેલા અમુક લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક 68 વર્ષની મહિલાનું મોત થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.