ગોરેગામમાં બહુમાળીય ઈમારતના પેન્ટ હાઉસમાં આગ: કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ (પશ્ચિમ)માં મહેશ નગરમાં આવેલી બહુમાળીય ઈમારતના પેન્ટ હાઉસમાં બુધવારે મોડી સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈના જખમી થવાનો બનાવ બન્યો નહોતો.
ગોરેગામ (પશ્ર્ચિમ)માં ગોવિંદજી શ્રોફ માર્ગ પર મહેશ નગરમાં ગ્રાઉન્ડ પ્લસ ૨૭ માળની અનમોલ પ્રાઈડ નામની બહુમાળીય ઈમારત આવેલી છે. બુધવારે સાંજે ૬.૧૧ વાગે ઈમારતના ૨૫માં અને ૨૬મા માળે આવેલા પેન્ટ હાઉસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના સાત ફાયર એન્જિન, ચાર વોટર જેટી સહિતના વાહનો પહોંચી ગયા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદ્નસીબે આગમાં કોઈના જખમી થવાના કે જાનહાનિ થવાના બનાવ બન્યા નહોતા.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ બિલ્ડિંગની ફાયર ફાઈટિંગ સિસ્ટમ કામ કરતી નહોતી. તપાસ બાદ તેમને નોટિસ આપવામાં આવશે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.