દહિસરમાં બહુમાળીય ઈમારતમાં આગ: એક મહિલાનું મૃત્યુ અનેક રહેવાસી ક્રિટીકલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહિસર (પૂર્વ)માં શાંતી નગરમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ બેઝમેન્ટ પ્લસ ૨૨ માળની બિલ્ડિંગમાં રવિવારે બપોરના ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૩૬થી વધુ રહેવાસીઓ ઉપરના માળા પર ફસાઈ હતા. રેસ્કયુ ઓફરેશન દરમ્યાન તમામ લોકોને બહાર કાઢીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ૮૦ વર્ષની એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું. તો અન્ય પાંચથી છ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
દહિસરમાં એસ.વી. રોડ પર શાંતિ નગરમાં ન્યુ જનકલ્યાણ સોસાયટી આવેલી છે. રવિવારે બપોરના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી ઈલેક્ટ્રિક ડક્ટમાંથી ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક કેબલમાં ફેલાઈ ગઈ હતી. આગને કારણે ઝડપભેર ઉપરના માળા પર ધુમાડો ફેલાઈ જતા અનેક રહેવાસીઓ ઉપરના માળા પર ફસાઈ ગયા હતા.
આગની જાણ થતા જ મુંબઈ ફાયરબ્રિગેડના સાત ફાયર એન્જિન, ત્રણ જમ્બો વોટર બે એડવાન્સ વોટર ટેન્કર, એક હાઈડ્રોલિક પ્લેટફોર્મ (સીડી), એક એરિયલ લેડર પ્લેટફોર્મ, એક ટર્નટેબલ લેડર, એક હાઈ-રાઈઝ ફાયર ફાઈટિંગ વેહીકલ, એક ક્વિક રિસ્પોન્સ વેહીકલ સહિતના સાધનો સાથે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આગ લાગ્યા બાદ ઉપરના માળે ધુમાડો ફેલાઈ જતા ઉપરના માળા પર ૩૬થી વધુ રહેવાસી ફસાઈ ગયા હતા. ધુમાડાને કારણે ફાયરબ્રિગેડને પણ રહેવાસીઓને બહાર કાઢવામાં અનેક અડચણો આવી હતી. હાઈડ્રોલિક પ્લેટફોર્મ (સીડી), એરિયલ લેડર પ્લેટફોર્મ સહિત ટર્નટેબલ લેડર અને હાઈ-રાઈઝ ફાયર ફાઈટિંગ વેહીકલની મદદથી ઉપરના માળા પર ફસાયેલા રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે તમામ રહેવાસીઓને બહાર કાઢયા હતા. ધુમાડો તેમના શ્ર્વાસમાં જવાને કારણે લગભગ ૧૯ રહેવાસીઓને શ્ર્વાસ લેવામાં તકલીફ થતા તેમને જુદી જુદી હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા, જેમાં ઉપરના માળા પર રહેતા ૮૦ વર્ષની સિનિયર સિટિઝન મહિલાનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ શ્ર્વાસમાં ધુમાડો જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. તો અન્ય પાંચથી છ લોકો ગંભીર હાલતમાં જુદી જુદી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પાલિકાએ આપેલી માહિતી મુજબ નજીક આવેલી રોહિત હૉસ્પિટલ (ખાનગી)માં સાત રહેવાસીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ૮૦ વર્ષના વૃદ્ધાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તો એકની હાલત ગંભીર છે. અન્ય પાંચની હાલત સ્થિત છે. તો નોર્થન કેર હૉસ્પિટલમાં ૧૦ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના પર હાલ સારવાર ચાલી રહી છે. પાલિકા સંચાલિત શતાબ્દી હૉસ્પિટલમાં એકને દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાનું ડૉકટરે જણાવ્યું હતું.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગના મીટર બોક્સમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.