સાંતાક્રુઝમાં કમર્શિયલ બિલ્ડિંગમાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાંતાક્રુઝ (પૂર્વ)માં કલિનામાં છ માળની કમર્શિયલ બિલ્ડિંગમાં શનિવાર મધરાત બાદ છઠ્ઠા માળે આવેલી ઓફિસમાં આગ ફાટી નીકળી હતી. લગભગ અઢી કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું.
સાંતાક્રુઝમાં કલિનામાં સીએસટી રોડ પર ભારત બેન્કની સામે બેઝમેન્ટ પ્લસ ગ્રાઉન્ડ પ્લસ છ માળની એમગ્રીન ચેમ્બર આવેલી છે. શનિવારે મધરાત બાદ ૨.૩૦ વાગે છઠ્ઠા માળે બંધ ઓફિસમાં આગ ફાટી નીકળી હતી.
ઘટના સ્થળે ફાયરબ્રિગેડના ચાર ફાયર એન્જિન, ત્રણ વોટર જેટી, એક ક્વિક રિસ્પોન્સ વેહિકલ વગેરે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં ઓફિસમાં રહેલી ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, ઓફિલ ફાઈલ, ઓફિસ રેકોર્ડ, લાકડાનું ફર્નિચર, કમ્પ્યુટર, દરવાજા, સહિતનું તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયું હતું.
આગ મોડી રાતે લાગી હોવાથી એ સમયે ઓફિસ બંધ હોવાથી સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધ્યોઃ નવા વર્ષમાં કેવી રહેશે ઠંડી? જાણો IMDની લેટેસ્ટ આગાહી



