આમચી મુંબઈ

ભાયખલામાં આગ: ૧૩૫ રહેવાસીઓને બચાવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ભાયખલામાં આવેલી એક બહુમાળીય ઈમારતમાં ગુરુવારે વહેલી સવારે ભીષણ આગ ભભૂકી નીકળી હતી. આગમાં ફસાયેલા કુલ ૧૩૫ રહેવાસીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ધુમાડાને કારણે ૧૧ લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ થતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ભાયખલા (પૂર્વ)માં ઘોડપદેવ વિસ્તારમાં ન્યુ હિંદ મિલ કમ્પાઉન્ડ, રામભાઉ ભોગલે માર્ગ પર મ્હાડા કોલોની આવેલી છે, જેમાં ગ્રાઉન્ડ પ્લસ ૨૪ માળની બિલ્ડિંગ નંબર ત્રણ- સી વિંગમાં વહેલી સવારના ૩.૩૫વાગે ત્રીજા માળે આગ લાગી હતી. વહેલી સવારે આગ
લાગી હોવાથી મોટાભાગના રહેવાસીઓ ગાઢ ઊંઘમાં હતા. આગ ઝડપભેર ફેલાઈ જતા ઈમારતના મોટાભાગના રહેવાસીઓ અંદર ફસાઈ ગયા હતા. ફાયરબિગ્રેડના અથાગ પ્રયાસ બાદ સવારના ૭.૨૦ મિનિટે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આ ઈમારતમાં મિલ કામગાર અને પ્રોજેક્ટ અફેક્ટેડ લોકો રહે છે.
આગની જાણ થતા વહેલી સવારે ફાયરબિગ્રેડની પાંચ ગાડીઓ, ત્રણ પાણીના ટેન્કર અને ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ એકથી ૨૪ માળ પરના ઈલેક્ટ્રિક મીટર કેબિન, વાયરિંગ, કેબલ અને ઈલેક્ટ્રિક ડકમાં આગ ફેલાઈ હતી. તેથી તમામ માળા પર ધુમાડો થઈ જતા રહેવાસીઓને બહાર નીકળવામાં અડચણ આવી હતી. સૌથી પહેલા જોકે ગ્રાઉન્ડ ફ્લોરના ડક્ટ એરિયામાં આગ લાગી હોવાનું અને ત્યાંથી ફેલાઈને ૨૪ માળ સુધીના ડક્ટ સુધી તે ફેલાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
બિલ્િંડગના રહેવાસીના કહેવા મુજબ વહેલી સવારે તેઓ ગાઢ નિંદ્રામાં હતા ત્યારે આગ લાગ્યા બાદ ધુમાડો ફેલાઈ રહ્યો અને તેઓ હજી કંઈ સમજે તે પહેલા જ ઈમારતમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. તેથી નાગરિકોમાં ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આગ લાગ્યા બાદ લિફ્ટ બંધ હોવાથી સિનિયર સિટિઝન નાગરિકોને બહાર કાઢવામાં અડચણ આવી હતી.
આ દરમિયાન છ સિનિયર સિટઝન સહિત ૧૧ લોકોને શ્ર્વાસમાં ધુમાડો જવાથી શ્ર્વાસ લેવામાં તકલીફ થતા તેમને પરેલમાં આવેલી કે.ઈ.એમ., નાયર, જે.જે. સહિત જુદી જુદી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ૭૦ વ ર્ષના લક્ષ્મી રાઉત, ૭૫ વર્ષના અર્ચના મોરે, ૮૫ વર્ષના પાર્વતી તંબોલેસ ૬૭ વર્ષના લતા તંબોલે, ૨૮ વર્ષનો પ્રનય તંબોલે, અર્ચના નીલેશ મોરે, ૬૦ વર્ષના મુમતાઝ, ૩૬ વર્ષનો અબીશ, ૩૪ વર્ષનો વિળાલ વિજય મોરે, ૮૦ વર્ષના રઝાક ખાન અને ૪૮ વર્ષના સવિતા કરાડેનો સમાવેશ થાય છે.
બિલ્ડિંગના ૧૧ માળે પરિવારના ૧૨ સભ્યો સાથે રહેતા અને વ્યવસાયે ઍન્જિનિયર સિદ્ધેશ ગવાનેેએ જણાવ્યું હતું કે તેમની માતાને ધુમાડાને કારણે તકલીફ થઈ હતી. આગ લાગ્યા બાદ નીકળેલા ધુમાડામાંથી રસ્તો કાઢીને બચવું મુશ્કેલ રહ્યું હતું. ગ્રાઉન્ટ ફ્લોરમાં લાગેલી આગ ઉપર ડક્ટથી સુધી ફેલાઈ ગઈ હતી, જે જોખમી રહ્યું હતું.
બિલ્ડિંગના નવમા માળે રહેતા સંભાજી ભરાડેએ કહ્યું હતું કે વહેલી સવારે તેઓ ભર ઊંઘમાં હતા ત્યારે પડોશીએ આવીને તેમનો દરવાજો ઠોકીને તેમને આગ લાગી હોવાથી બહાર નીકળવા માટે કહ્યું હતું. આગ લાગ્યા બાદ તેઓ રેફ્યુજ ઍરિયામાં પહોંચી ગયા હતા. લગભગ દોઢ કલાક બાદ ફાયરબ્રિગેડે તેમને બચાવ્યા હતા.
બિલ્ડિંગના ૧૨ માળે રહેતી ૪૮ વર્ષની શ્રૂતી કરવાડેને જે.જે.હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, તેની દીકરીના જણાવ્યા મુજબ તેની માતને અસ્થમાની તકલીફ હોવાથી ધુમાડાને કારણે તેની તકલીફ વધી ગઈ હતી.
બિલ્ડિંગના પાંચમા રહેતા સંદીપ શેડગે કહ્યું હતું કે આગની જાણ થયા બાદ તેમનો પૂરો પરિવાર આઠમા માળે આવેલા રેફ્યુજ એરિયામાં પહોંચી ગયો હતો.

રેફ્યુજ ઍરિયા બન્યો તારણહાર

ફાયરબ્રિગેડના અધિકારીના કહેવા મુજબ બિલ્ડિંગમાં રેફ્યુજ ઍરિયા મોટો હોવાથી બચાવ કામગીરી થોડી સરળ રહી હતી. રહેવાસીઓ બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ નીકળેલા ધુમાડા બાદ બચવા માટે બિલ્ડિંગમાં અલગ અલગ માળે બનાવેલા રેફ્યુજ ઍરિયામાં પહોંચી ગયા હતા. તેને કારણે બચાવ કામગીરી સરળ રહી હતી, જેમાં ૧૩૫ રહેવાસીમાંંથી ૨૫ને ઈમારતના ટેરેસ પરથી, ૩૦ જણને ૧૫ માળે આવેલા રેફ્યજુ ઍરિયામાંથી અને ૮૦ લોકોને ૨૨મા માળે આવેલા રેફ્યુજ ઍરિયામાંથી બચાવી લેવામાં આવ્યા હતા.
ફાયર ફાઈટિંગ સિસ્ટમ બંધ હતી

ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ બિલ્િંડગમાં બેસાડેલી ફાયર ફાઈટિંગ સિસ્ટમ કામ કરતી નહોતી. તેથી આગ લાગ્યા બાદ રહેવાસીઓને બહાર કાઢવામાં કે આગ બુઝાવવાની કામગીરીમાં મદદરૂપ થઈ શકી નહોતી. તેથી ફાયરબ્રિગેડ દ્વારા હવે બિલ્ડિંગને નોટિસ ફટાકરીને જવાબ માગવામાં આવશે. જયાં સુધી આપેલી મુદતમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ ચાલુ નહીં થાય તેમનો વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button