ભાયખલામાં ત્રણ માળની બિલ્ડિંગમાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલા (પશ્ર્ચિમ)માં મદનપુરામાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારતના બીજા માળા પર આવેલા ફ્લેટમાં શનિવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ મૌલાના આઝાદ રોડ પર ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બંદુક્વાલા હાઉસ નામની બિલ્ડિંગ આવેલી છે. શનિવારે સાંજે ૫.૪૨ વાગે બિલ્િંડગના બીજા માળા પર આવેલા ફ્લેટ નંબર ૩૨માં અચાનક આગ ફાટી નીકળી હતી. ધટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
સાંજે ૬.૨૭ વાગે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આગમાં ફ્લેટની ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, ઘરનો સામાન, લાકડાના દરવાજા અને બારી, મહત્ત્વના દસ્તાવેજો વગેરે બળીને ખાખ થઈ ગયા હતા.
ફાયરબ્રિગેડના કહેવા મુજબ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.