કુર્લામાં 12 માળની ઈમારતમાં આગ લાગી, 50થી વધુ રહેવાસીઓને બચાવાયા
મુંબઈ: મુંબઈના કુર્લા વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક 12 માળની રહેણાંક ઈમારતમાં આગ ફાટી નીકળી હતી. આગની ઘટના શુક્રવારે રાત્રે બની હતી. આ સમયે, ફાયર બ્રિગેડે આ બિલ્ડિંગમાંથી 50 થી વધુ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટના કુર્લા-વેસ્ટમાં કોહિનૂર હોસ્પિટલની સામે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) બિલ્ડિંગ નંબર 7માં બની હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી 39 લોકોને ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “આગ મોડી રાત્રે લાગી હતી. આ સંદર્ભે માહિતી મળતાં ફાયર કર્મીઓની ટીમે ચાર ફાયર એન્જિન, અનેક મોટા ટેન્કરો અને અન્ય સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.અધિકારીના જણાવ્યા અનુસાર આગ 12 માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખવામાં આવેલા ભંગારમાં લાગી હતી, પરંતુ ધીમે ધીમે આગની જ્વાળાઓ ઉપરની તરફ વધવા લાગી હતી અને સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પાવર સપ્લાય બંધ કરી દીધો હતો અને સવારે 1.45 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “બિલ્ડીંગના અનેક માળ પર ફસાયેલા 40-50 રહેવાસીઓને ફાયર બ્રિગેડના જવાનોએ સીડીઓ દ્વારા બચાવી લીધા હતા. તેમાંથી 39 લોકોએ ગૂંગળામણની ફરિયાદ કરી હતી, જે બાદ 35 લોકોને કોર્પોરેશન સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકોને કોહિનૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાંથી, 10 રહેવાસીઓને તબીબી સલાહ પર રજા આપવામાં આવી છે, જ્યારે બાકીના લોકોની સ્થિતિ સ્થિર છે. કોહિનૂર હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોને સારવાર આપીને ઘરે રજા આપવામાં આવી છે.