મધ્ય રેલવેના એલટીટી સ્ટેશન પર ફાટી નીકળી આગ, કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેના મહત્ત્વના રેલવે સ્ટેશન પૈકી એક એવા લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) સ્ટેશન પર અચાનક આગ ફાટી નીકળી હતી. બપોરના સમયે બનેલી આ ઘટનાને કારણે રેલવે કર્મચારીઓ અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.
મુંબઈ અને મુંબઈગરા માટે રેલવે તેમ જ રેલવે સ્ટેશન ખૂબ જ મહત્ત્વના છે. બુધવારે બપોરે ૨.૪૫ વાગ્યે લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) સ્ટેશનના બુકિંગ કાઉન્ટર અને વેઈટિંગ હોલમાં આ આગ ફાટી નીકળી હતી. આગ લાગી હોવાની માહિતી મળતાં જ અગ્નિશામક દળના જવાનો ઘટનાસ્થળે જવા માટે રવાના થયા હતા અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. બોપરના ૩.૩૦ વાગ્યાના સુમારે આગને નિયંત્રણમાં લેવામાં આવી
હતી. આમ છતાં આગ લાગ્યા પછી સુરક્ષાના કારણસર તાત્કાલિક ઓવરહેડ વાયરના ઈલેક્ટ્રિક સપ્લાયને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. એક નંબરના પ્લેટફોર્મ પર કોઈ ટ્રેનને રવાના કરવામાં આવતી નથી, પરંતુ પ્લેટફોર્મ એક પરના જનઆધાર કેન્ટીન આવેલી છે. ઉપરાંત, કોન્કોર્સ એરિયામાં ટિકિટ બુકિંગ ઓફિસ આવેલી છે. આગ લાગ્યા પછી તાત્કાલિક ધોરણે એ પરિસરને ખાલી કરવામાં આવ્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની ટીમના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગને પોણા કલાકમાં નિયંત્રણમાં લાવ્યા હતા. આ ઉપરાંત, સુરક્ષાના કારણસર રેલવે પોલીસ, ટ્રાફિક પોલીસ, મુંબઈ પોલીસ સહિત અન્ય એજન્સીની મદદ લેવામાં આવી હતી, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડો. શિવરાજ માનસપુરેએ જણાવ્યું હતું.
આગ લાગ્યા પછી આગનો વીડિયો જોરદાર વાઈરલ થયો હતો, તેથી લોકોએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. આગ લાગતા જ લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતે પ્રવાસીઓમાં દોડાદોડી થઈ ગઈ હતી. પોલીસ દ્વારા પ્રવાસીઓને આગ લાગતા સ્ટેશનની બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામ પ્રવાસીઓ સુખરૂપ હોવાની માહિતી મળી હતી. આ આગ ચોક્કસ કયા કારણસર લાગી હતી એનું કારણ જાણી શકાયું નહોતું, પરંતુ આ આગમાં કોઈને ઈજા પહોંચી નથી, જે રાહત થઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.