સ્ટોપ વર્ક નોટિસની અવગણના કરનારા ડેવલપર સામે એફઆઈઆર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનમાં અમુક છૂટછાટ આપવાનો નિર્ણય સોમવારે યોજાયેલી બેઠકમાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે લીધો હતો, તે મુજબ એક એકરથી વધુ વિસ્તાર ધરાવતા બાંધકામ સ્થળ પર ૩૫ ફૂટ ઊંચી લોખંડની શીટની હાઈટને ઘટાડમાં આવશે. આ દરમિયાન સ્ટોપ વર્કની નોટિસની અવગણના કરનારા બિલ્ડર સામે પોલીસમાં એફઆઈઆર નોંધવાના કમિશનરના આદેશ બાદ રવિવારે વિલેપાર્લેમાં પાલિકાના કે-પશ્ર્ચિમ વોર્ડ દ્વારા એક ડેવલપર સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
મુંબઈમાં વાયુ પ્રદૂષણને અને ધૂળને નિયંત્રણમાં લાવવા માટે ગયા મહિને પાલિકાએ ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડી હતી. જોકે સોમવારે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે જુદી જુદી સરકારી એજેન્સી એમએમઆરડીએ, એમએમઆરસીએલ, મ્હાડા, એસઆરએ, નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડના કામ માટે નીમવામાં આવેલા કૉન્ટ્રેક્ટરો વગેરે સાથે મીટિંગ કરી હતી. ચર્ચા દરમિયાન ગાઈડલાઈનમાં અમુક છૂટછાટ આપવાનો નિર્ણય સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો.
પાલિકાના પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ એક એકરથી વધુ વિસ્તારમાં બાંધકામ સ્થળ પર ૩૫ ફૂટ ઊંચી લોખંડની શીટની ઊંચાઈ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંધકામ સ્થળ પર વ્યવહારિક રીતે ૩૫ ફૂટ ઊંચી લોખંડની શીટ ઊભી કરવી મુશ્કેલ છે. તેથી નિયમમાં થોડી છૂટછાટ આપવાનો કમિશનરે નિર્ણય લીધો હતો, તે મુજબ આ શીટની ઊંચાઈ ૩૫ ફૂટથી ઓછી રહેશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે બાંધકામ સાઈટ્સ પર પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા ડેવલપરને સ્ટોપ વર્કની નોટિસ આપવાની સૂચના આપી હતી. પાલિકાની સ્ટોપ વર્કની નોટિસની અવગણના કરીને પણ બાંધકામ ચાલુ રાખનારા ડેવલપરો સામે કમિશનરે એફઆઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. તે મુજબ જુદા જુદા વોર્ડમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે, જે હેઠળ રવિવારે ૧૯ નવેમ્બરે એક ડેવલપર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
વિલેપાર્લેમાં ડેવલપર સામે એફઆઈઆર
અધિકારીના જણાવ્યા મુજબ વિલેપાર્લે (પશ્ર્ચિમ)માં રેલવે ફાટક પાસે બાપિસ્ટા રોડ પાસે ભારત ડેવલપર સામે પાલિકાના કે-પશ્ર્ચિમ વોર્ડ દ્વારા રવિવારે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પાલિકાએ ૨૫ ઑક્ટોબર, ૨૦૨૩ના ગાઈડલાઈન બહાર પાડી હતી, એ બાદ પાલિકાએ બનાવેલી સ્કવોડે પહેલી નવેન્બરના બાંધકામ સાઈટ પર આ ગાઈડલાઈન ઈશ્યુ કરી હતી. એ બાદ પણ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું ન હોવાનું જણાયું હતું. તેથી પાલિકાના કે-પશ્ર્ચિમ વોર્ડ દ્વારા પત્ર લખીને ૮ નવેમ્બરના ડેવલપરને સ્ટોપ વર્કની નોટિસ મોકલી હતી. બાદમાં ૧૯ નવેમ્બરના સાઈટ પર ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાાયા બાદ કે-પશ્ર્ચિમ વોર્ડની સ્કવોડે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ડેવલપર સામે એફઆઈઆર નોંધાી હતી.