નાંદેડની હૉસ્પિટલના ડીન, ડૉક્ટર સામે એફઆઈઆર
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં ૩૦ સપ્ટેમ્બરથી ૪૮ કલાકમાં નવજાત બાળકો સહિત ૩૧ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, પોલીસે કાર્યકારી ડીન અને ડૉક્ટર સામે હત્યાના આરોપમાં એફઆઈઆર નોંધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બીજી થી ત્રીજી ઑક્ટોબર દરમિયાન આ હૉસ્પિટલમાં વધુ છ મૃત્યુ નોંધાયા હતા.
હૉસ્પિટલમાં પુત્રી અને તેના નવજાત બાળકના મૃત્યુના સંબંધમાં એક વ્યક્તિની ફરિયાદને પગલે ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના કાર્યકારી ડીન એસઆર વાકોડે અને મુખ્ય બાળરોગ નિષ્ણાત સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
તેઓની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪ (હત્યાની રકમ ન હોય તેવી દોષિત હત્યા) અને ૩૪ (સામાન્ય ઈરાદા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
એફઆઈઆર મુજબ, અંજલિના પિતા કામજી ટોમ્પેએ ફરિયાદમાં જણાવ્યું હતું ૨૧ વર્ષની ગર્ભવતી મહિલા અંજલિને ૩૦ સપ્ટેમ્બરે રાત્રે લગભગ ૮ વાગ્યે હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પહેલી ઑક્ટોબરના રોજ સવારે લગભગ ૧ વાગ્યે તેણીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં ડૉકટરોએ જણાવ્યું હતું કે માતા અને બાળક ઠીક છે . બાદમાં સવારે અંજલીને લોહી નીકળવા લાગ્યું હતું અને બાળકની પણ તબિયત સારી ન હતી, આથી ડૉક્ટરોએ પરિવારના સભ્યોને દવાઓ, બ્લડ બેગ અને અન્ય જરૂરી વસ્તુઓ બહારથી લાવવા જણાવ્યું હતું.
જ્યારે વસ્તુઓ લાવવામાં આવી ત્યારે ડૉકટરો વોર્ડમાં હાજર ન હતા. ડૉક્ટરોએ અંજલિના બાળકને મૃત જાહેર કર્યું અને બી ઑક્ટોબરના રોજ સવારે છ વાગ્યે મૃતદેહ અમને સોંપ્યો. બાદમાં ચોથી ઑક્ટોબરના રોજ અંજલિને મૃત જાહેર કરવામાં આવી.
ડૉક્ટરોએ પરિવારના સભ્યોને રૂ. ૪૫,૦૦૦ની કિંમતની દવાઓ બહારથી લાવવાનું કહ્યું હતું.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ડૉક્ટરો, નર્સો અને દવાઓની ઉપલબ્ધતાના અભાવે તેમની સામે ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
આ મામલે પ્રતિક્રિયા માટે વાકોડેનો સંપર્ક થઈ શક્યો ન હતો.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે જણાવ્યું હતું કે તેમની સરકારે નાંદેડની હૉસ્પિટલમાં મૃત્યુને ખૂબ જ ગંભીરતાથી લીધી છે, અને દવાઓ અને સ્ટાફની અછત હોવાનો ઇનકાર કરતા વિગતવાર તપાસ પછી યોગ્ય પગલાં લેવા કહ્યું હતું.
બોમ્બે હાઈ કોર્ટે બુધવારે નાંદેડ અને છત્રપતિ સંભાજીનગર શહેરોની બે સરકારી હૉસ્પિટલોમાં થયેલા મૃત્યુ અંગે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું અને નોંધ્યું હતું કે પથારી, સ્ટાફ અને આવશ્યક દવાઓની અછતને ટાંકીને ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલા કારણો સ્વીકારી શકાય નહીં. હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી વિગતો પણ માગી હતી.
(પીટીઆઈ)