આઈસક્રીમમાં આંગળીનો ટુકડો મળતાં ચાર,ઉત્પાદન એકમોની તપાસ માટે પોલીસ રવાના

મુંબઈ: મલાડના ડૉક્ટરે ઑનલાઈન મગાવેલા આઈસક્રીમ કોનમાંથી માનવ આંગળીનો ટુકડો મળી આવતાં એ બટરસ્કોચ આઈસક્રીમ ક્યાં બનાવવામાં આવ્યો હતો તેની તપાસ માટે મલાડ પોલીસની ચાર ટીમ પુણે, ગાઝિયાબાદ, અમદાવાદ અને દિલ્હી મોકલવામાં આવી હતી. આ ચારેય સ્થળે આવેલા આઈસક્રીમ ઉત્પાદન એકમોની પોલીસ તપાસ કરશે.
મલાડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદીના ઘરે ચાર આઈસક્રીમ મગાવવામાં આવ્યા હતા. પરિણામે જે બટરસ્કોચ આઈસક્રીમમાંથી માંસનો ટુકડો મળ્યો હતો તે આઈસક્રીમ કયા ઉત્પાદન એકમમાં બનાવવામાં આવ્યો હતો તે કહેવું મુશ્કેલ છે.
ઉત્પાદન એકમમાંથી આઈસક્રીમ કોન ભિવંડી સ્થિત ઑનલાઈન ડિલિવરી ઍપના ગોદામમાં મોકલવામાં આવ્યો હતો. ગોદામમાં કોઈએ આઈસક્રીમમાં માનવ આંગળી નાખી તો નથીને તેની પણ તપાસ પોલીસ કરી રહી છે. પોલીસે ભિવંડીના ગોદામમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ મગાવ્યાં છે.
આ પણ વાંચો : મહિલાએ ઓનલાઇન મંગાવ્યો Ice Cream,બોક્સ ખોલતાં ચોંકી ગયો પરિવાર
આ મામલે પોલીસે અત્યાર સુધીમાં ફરિયાદી અને ઑનલાઈન ડિલિવરી ઍપના સ્ટાફનાં નિવેદન નોંધ્યાં હતાં. પોલીસને આંગળીનો ફોરેન્સિક અહેવાલ અઠવાડિયામાં મળી જવાની અપેક્ષા છે.
મલાડના ઓર્લેમ પરિસરમાં રહેતા 26 વર્ષના ડૉક્ટરે ઑનલાઈન આઈસક્રીમ મગાવ્યા હતા. જેમાંથી બટરસ્કોચ આઈસક્રીમના કોનમાંથી નખ સાથેનો માંસનો ટુકડો મળી આવ્યો હતો, જે માનવ આંગળીનો ટુકડો હોવાનું જણાઈ રહ્યું છે.