કૃષિ ક્ષેત્રની મહિલાઓને ડ્રોન ખરીદવા આઠ લાખ રૂપિયાની આર્થિક મદદ
‘લખપતિ દીદી’ યોજનાની જાહેરાત
મુંબઈ: કેન્દ્ર સરકારની બેઠકમાં દેશના ગ્રામીણ ભાગોમાં સ્વયં સહાય બચત જૂથ (એસએચજી)ની મહિલાઓ માટે ‘લખપતિ દીદી’ નામની નવી યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ લખપતિ દીદી યોજના હેઠળ ગામડામાં રહેતા મહિલા ખેડૂતોને ખેતીના કામો માટે ડ્રોન આપવામાં આવશે જેથી તેમની આવકમાં વધારો થતાં તેમનો વિકાસ થાય. ખેતીના કામો માટે ડ્રોન પૂરા પાડવામાં આવતા દર મહિને એક લાખ રૂપિયાની આવક ઉત્પન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હેઠળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે આ બાબતે માહિતી આપી હતી. ઠાકુરે આ યોજના વિશે જણાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના માટે ૧,૨૬૧ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જેનો ચાર વર્ષ સુધી વપરાશ કરવામાં આવશે. લખપતિ દીદી આ યોજના હેઠળ દેશના ૧૫ હજાર સ્વયં સહાય બચત જૂથને ડ્રોન આપવામાં આવશે. ડ્રોન આપવામાં આવેલા ૧૦ થી ૧૫ ગામો વચ્ચે એક ક્લસ્ટર તૈયાર કરી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.
મહિલા ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સરકાર તરફથી ૮૦ ટકા અથવા આઠ લાખ રૂપિયાની આર્થિક મદદ આ યોજના હેઠળ આપવામાં આવશે. યોજનામાં બચેલી રકમમાંથી ખેતીના કામો માટે ત્રણ ટકાના વ્યાજ દરે લોન તરીકે પણ આપવામાં આવશે. સાથે જ ખેતરમાં પાણી કે ખાતર પૂરું પાડવા માટે ભાડા પર આ ડ્રોન આપવામાં આવશે એવું જણાવ્યું હતું.
ડ્રોન ચલાવવા માટે મહિલાઓને અપાશે તાલીમ
લખપતિ દીદી આ યોજના હેઠળ મહિલા ખેડૂતોને ખેતીના કામ માટે ડ્રોન ઉપલબ્ધ કરવામાં આવશે. આ ડ્રોનને ઉડાવવા માટે એસએસસી પાસ થયેલી મહિલાઓને જ તાલીમ આપવામાં આવશે. ડ્રોન ઉડાવવા માટે ૧૫ દિવસની તાલીમ આપવામાં આવશે. આ યોજના હેઠળ ડ્રોન ખરીદવા અને તેની જાળવણી અને સમારકામ માટે પણ સરકાર દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે એવું અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું.