હાશકારો! આખરે ગોખલે પુલની એક લેન આજે ખુલ્લી મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગણાતો ગોપાલ કૃષ્ણ ગોખલે પુલ આંશિક રીતે સોમવારે સાંજે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ સોમવાર સાંજના છ વાગ્યાથી નાગરિકો માટે આ પુલ ખુલ્લો મૂકવામાં આવશે.
પશ્ર્ચિમ ઉપનગરમાં પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગોખલે પુલને નવેમ્બર ૨૦૨૨માં વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જૂના પુલને તોડી પાડીને નવો સ્ટીલ ફેબ્રિકેટેડ પુલ બનાવવામાં આવ્યો છે. નવા પુલની બંને બાજુએ વાહનની અવરજવર માટે બે-બે લેન બનાવવામાં આવી છે.
ગોખલે પુલને લઈને છેલ્લા થોડા દિવસની સત્તાધીશ અને વિરોધપક્ષ વચ્ચે રાજકીય ધમસાણ ચાલી રહ્યું હતું. પુલની એક લેન તૈયાર હોવા છતાં ખુલ્લી મૂકવામાં થઈ રહેલા વિલંબ બદલ હજી શનિવારે જ સ્થાનિક વિધાનસભ્ય અને ભૂતપૂર્વ કૅબિનેટ પ્રધાન અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે ગ્રૂપ)ના નેતા આદિત્ય ઠાકરે સામ-સામે થઈ ગયા હતા. ઉદ્ઘાટન માટે મુખ્ય પ્રધાન પાસે સમય નહીં હોવાને કારણે તેનું કામ બાકી હોવાનું કારણ આગળ કરીને તેને ખુલ્લો મૂકવામાં વિલંબ થઈ રહ્યો હોવાનો આરોપ પણ કરવામાં આવી રહ્યા હતાં. છેવટે પ્રશાસને સોમવાર સાંજથી આંશિક રીતે ગોખલે પુલને ખુલ્લો મૂકવાની જાહેરાત કરી હતી.
નવા બાંધવામાં આવેલા પુલમાં અવર-જવર માટે બે-બે લેન બનાવવામાં આવી છે. પહેલા તબક્કામાં વાહનવ્યવહાર માટે ફક્ત એક તરફથી જ લેન ખુલ્લી મૂકવામાં આવવાની છે. આગામી દિવસમાં પુલની બીજી લેન માટેના ગર્ડર લોન્ચ કરવામાં આવવાના છે.
પહેલા તબક્કામાં ગર્ડર નાખવામાં આવ્યા બાદ હવે લેનની એક બાજુ ખુલ્લી મૂકવાની છે, જેના પરથી બંને તરફ વાહનો અવરજવર કરશે. બીજા ગર્ડર નાખવાનું કામ એપ્રિલ દરમિયાન હાથમાં લેવામાં આવવાનું છે. પુલનો પહેલો ગર્ડર ગયા વર્ષે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના પર રસ્તા માટેનું સરફેસિંગ કરવામાં આવ્યું હતું.
આ ગર્ડરની લંબાઈ ૯૦ મીટરની છે જે પૂર્વીય ઉપનગરમાં વિદ્યાવિહારના રોડ ઓવરબ્રિજ પછી બીજા નંબરનો સૌથી લાંબો રેલવે ઓવરબ્રિજ છે, જે ૯૯.૮ મીટરનો છે. તેનું વજન લગભગ ૨,૩૦૦ મેટ્રિક ટન છે.
નોંધનીય છે કે ગોખલે પુલને જોખમી જાહેર કરવામાં આવતા નવેમ્બર ૨૦૨૨માં તેને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. અનેક કારણથી પુલ બાંધવામાં વિલંબ થયો હતો, જેમાં મે, ૨૦૨૩માં રોરકેલામાં સ્ટીલ પ્લાન્ટમાં હડતાળ પડવાને કારણે અને ત્યારબાદ અંબાલા વર્કશોપમાં પૂરના પાણી ઘૂસી જવાને કારણે સ્ટીલના ગર્ડર મુંબઈ સુધી પહોંચવામાં વિલંબ થયો હતો. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૯૦ કરોડ રૂપિયા છે.