આમચી મુંબઈ

આખરે જશ! મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ હવે નાના જગન્નાથ શંકરશેઠ સ્ટેશન

પ્રકાશ ચિખલીકર

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈને તેની લાઇફલાઇન એટલે કે જીવાદોરી ગણાતી મુંબઈ લોકલ ટ્રેન આપવામાં પાયારૂપ યોગદાન આપનારા નાના જગન્નાથ શંકરશેઠના નામે મુંબઈ શહેરમાં એકપણ રેલવે સ્ટેશન નહોતું. જોકે, હવે ટૂંક સમયમાં મુંબઈ સેન્ટ્રલનું નામ બદલાવીને નાના જગન્નાથ શંકરશેઠ કરવામાં આવશે. ૨૦૨૦માં રેલવે પ્રશાસન દ્વારા મંજૂરી આપી દેવાઇ હોવા છતાં આ પ્રસ્તાવ કેન્દ્ર સરકાર પાસે ધૂળ ખાતો હતો. જોકે, બુધવારે યોજવામાં આવેલી પ્રધાન મંડળની બેઠકમાં આ બાબતે કેન્દ્ર સરકારને જાણ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. મુંબઈના કુલ આઠ સ્ટેશનોનું નામ બદલાવવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ તમામ સ્ટેશનના નામ બદલાવવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. મુંબઈ સેન્ટ્રલનું નામ બદલાવીને નાના જગન્નાથ શંકરશેઠ કરવાની માગણી નાના જગન્નાથ શંકરશેઠ પ્રતિષ્ઠાન દ્વારા અનેક વર્ષોથી કરવામાં આવી રહી છે અને આ માટેના તમામ પ્રયાસો પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠાનના સલાહકાર પ્રકાશ ચિખલીકર જણાવે છે કે સ્ટેશનના નામ બદલવાનો અધિકાર કેન્દ્રીય ગૃહ ખાતા પાસે જ હોય છે. આચાર સંહિતા લાગુ થાય એ પૂર્વે ગૃહ પ્રધાન અમિત શાહ આ બાબતે નિર્ણય લેશે, તેવી આશા હોવાનું પણ પ્રકાશ ચિખલીકરે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button