‘સિંઘમ’ જેવી ફિલ્મો ખૂબ જ નુકસાનકારક મેસેજ આપે છે, બોમ્બે હાઈકોર્ટના જજનું નિવેદન
બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ગૌતમ પટેલે શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન ટીપ્પણી કરી હતી કે ‘સિંઘમ’ જેવી ફિલ્મોમાં દર્શાવ્યા પ્રમાણે કાયદાકીય પ્રક્રિયાની પરવા કર્યા વિના ત્વરિત ન્યાય આપતા ‘હીરો પોલીસમેન’ની સિનેમેટિક છબી ખૂબ જ ખતરનાક સંદેશ આપે છે. ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક દિવસ અને પોલીસ સુધારણા દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, જસ્ટિસ પટેલે કાયદાકીય પ્રક્રિયા પ્રત્યે લોકોની ‘વ્યગ્રતા’ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું કે પોલીસની છબી “દબંગ, ભ્રષ્ટ અને બેજવાબદાર” તરીકેની છે અને ન્યાયાધીશો, રાજકારણીઓ અને પત્રકારો સહિત અન્ય લોકો વિશે પણ એવું જ કહી શકાય.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે જનતા વિચારે છે કે કોર્ટ તેમનું કામ નથી કરી રહી ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે અને લોકો ઉજવણી કરે છે. આ કારણે જ જ્યારે બળાત્કારનો આરોપી કથિત રીતે ભાગવાનો પ્રયાસ કરતી વખતે એન્કાઉન્ટરમાં માર્યો જાય છે, ત્યારે લોકો ઉજવણી કરે છે, તેમને લાગે છે કે ન્યાય મળી ગયો, પરંતુ શું ન્યાય મળ્યો છે?
જસ્ટિસ પટેલે કહ્યું, ફિલ્મ સિંઘમમાં, ખાસ કરીને તેના ક્લાઈમેક્સમાં, એવું બતાવવામાં આવ્યું છે કે પ્રકાશ રાજ દ્વારા ભજવવામાં આવેલા નેતાના પાત્ર પર સમગ્ર પોલીસ દળ તૂટી પડે છે અને એ બતાવવામાં આવ્યું છે કે હવે ન્યાય મળી ગયો. પણ હું પૂછું છું, શું મળ્યું? આપણે વિચારવું જોઈએ કે આ મેસેજ કેટલો ખતરનાક છે.
તેમણે કહ્યું, ફિલ્મોમાં, પોલીસ ન્યાયાધીશો સામે કાર્યવાહી કરે છે, ન્યાયાધીશો નરમ, ડરપોક, જાડા ચશ્મા પહેરેલા અને ઘણી વખત ખૂબ જ ખરાબ પોશાક પહેરેલા બતાવવામાં આવે છે. લોકો અદાલતો પર ગુનેગારોને છોડી દેવાનો આરોપ મૂકે છે. હીરોની ભૂમિકામાં પોલીસ એકલી જ ન્યાય આપે છે. જસ્ટીસ પટેલે કહ્યું કે જો ન્યાય પ્રક્રિયા આવા “શોર્ટકટ” આધારે છોડી દેવામાં આવશે, તો આપણે કાયદાના શાસનનો નાશ કરી દેશું.