ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા 2018ના ચેક બાઉન્સ કેસમાં નિર્દોષ જાહેર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમનોરંજન

ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા 2018ના ચેક બાઉન્સ કેસમાં નિર્દોષ જાહેર

મુંબઈ: ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા અને ફરિયાદી કંપની વચ્ચે લોક અદાલત મારફત સમાધાન થયા બાદ મુંબઈની કોર્ટે 2018ના ચેક બાઉન્સ કેસમાં વર્માને નિર્દોષ જાહેર કર્યો હતો. વર્માની કંપની વિરુદ્ધ 2018માં ચેક બાઉન્સની ફરિયાદ નોંધાવાઇ હતી.

કોર્ટના આદેશ મુજબ ‘સમાધાન મેમો’ને અનુલક્ષી વર્માને સપ્ટેમ્બરના આરંભમાં દોષમુક્ત કરવામાં આવ્યો હતો. કાનૂની વિવાદમાં વાદગ્રસ્ત પક્ષો વચ્ચેની લેખિત સહમતિને સમાધાન મેમો કહેવામાં આવે છે. આ મેમોમાં બંને પક્ષ વચ્ચેના સમાધાનની શરતોની વિગતો આપવામાં આવેછે અને તેને કોર્ટમાં દાખલ કરાય છે, જેને રેકોર્ડ કરી જજ તેમાં પગલાં લે છે.
જુડિશિયલ મેજિસ્ટ્રેટે (અંધેરી) અગાઉ 21 જાન્યુઆરીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ વર્માને દોષી ઠેરવ્યો હતો. મેજિસ્ટ્રેટે વર્માને ત્રણ મહિનાની કેદ ફટકારી હતી અને ફરિયાદીને ત્રણ મહિનાની અંદર 3,72,219 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. મેજિસ્ટ્રેટના ચુકાદાથી નારાજ વર્માએ સેશન્સ કોર્ટ (દિંડોશી)માં ક્રિમિનલ અપીલ દાખલ કરી હતી.
જોકે પાછલી સુનાવણીમાં ફિલ્મમેકર અને ફરિયાદી કંપનીએ કોર્ટને જણાવ્યું હતું કે તેમણે લોક અદાલત દ્વારા મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો નિર્ણય લીધો છે.

આથી લોક અદાલત થકી મામલાની પતાવટ કરાઇ હતી અને બાદમાં સેશન્સ કોર્ટે વર્માને નિર્દોષ જાહેર કરીને અપીલનો નિકાલ લાવી દીધો હતો.

ફરિયાદી પક્ષના વકીલ રાજેશકુમાર પટેલના જણાવ્યા અનુસાર કંપની અનેક વર્ષથી હાર્ડ ડિસ્ક્સ સપ્લાય કરે છે. વર્માની વિનંતીને પગલે ફેબ્રુઆરી અને માર્ચ, 2018 વચ્ચે હાર્ડ ડિસ્કસ પૂરી પાડી હતી, જેની સામે 2,38,220 રૂપિયાનું બિલ થયું હતું.
વર્માએ 1 જૂન, 2018ના ચેક આપ્યો હતો, જે અપૂરતા ભંડોળને કારણે બાઉન્સ થયો હતો. આ વિશે માહિતગાર કરાતાં વર્માએ તે જ રકમનો બીજો ચેક જારી કર્યો હતો, જે અદાકર્તાની સૂચનાને કારણે રોકી દેવાતાં બાઉન્સ થયો હતો. આ પછી કંપનીએ કાનૂની રાહ પકડી હતી. ફિલ્મમેકર વર્મા સત્યા, રંગીલા, કંપની અને સરકાર જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે. (પીટીઆઇ)

આપણ વાંચો:  પાલઘરની મહિલાને પોલીસ રેઇડનો ડર બતાવી 17 લાખની મતા પડાવી

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button