ફિલ્મના શૂટિંગ માટે ભાડે આપવાને બહાને લીધેલાં 28 વાહનો વેચી નાખનારો પકડાયો…

મુંબઈ: ફિલ્મના શૂટિંગ માટે વાહનો ભાડે જોઈતાં હોવાનું કહીને મલાડના માલવણી પરિસરમાં રહેતા યુવકે 28 વાહનો ગુજરાત, ગોવા સહિત અન્ય રાજ્યોમાં વેચી નાખ્યાં હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણે પોલીસે આરોપીની ધરપકડ કરી 26 વાહનો હસ્તગત કર્યાં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :નાયરમાં વિદ્યાર્થિનીની જાતીય સતામણી: એકનાથ શિંદેએ આપ્યા ડીનની બદલીના આદેશ…
માલવણી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ આકાશ બ્રિજેશ સિંહ (21) તરીકે થઈ હતી. ઉત્તર પ્રદેશના ઉન્નાવના વતની આકાશનો પરિવાર છેલ્લાં બે વર્ષથી માલવણીના જનકલ્યાણ નગરમાં ભાડેના ફ્લૅટમાં રહેતો હતો. આકાશ પોલીસથી બચીને વચ્ચે વચ્ચે પરિવારને મળવા આવતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ફિલ્મના શૂટિંગમાં આપવાને બહાને માલિકો પાસેથી કાર, બાઈક અને અન્ય વાહનો લઈને આરોપી નિયમિત રીતે ભાડાં આપવાની ખાતરી આપતો હતો. આ પ્રકરણે માલવણીના ચીકુવાડી ખાતે રહેતા 24 વર્ષના યુવકે 7 સપ્ટેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
એફઆઈઆર અનુસાર આરોપી સિંહ ઑગસ્ટમાં ફરિયાદીને મળ્યો હતો અને ફિલ્મના શૂટિંગ માટે ભાડા પર જોઈતી કાર્સ, બાઈક્સ અને અન્ય વાહનો અંગે પૂછપરછ કરી હતી. સારા ભાડાની લાલચમાં ચાર જણ તેમની બાઈક્સ અને કાર્સ ભાડે આપવા તૈયાર થઈ ગયા હતા.
આ પણ વાંચો :રોક શકો તો રોક લોઃ બેસ્ટની Bus પકડવા માટે જોઈ લો મુંબઈગરાઓની રઝળપાટ…
વાહન લીધા પછી સિંહે નક્કી થયેલું મહિનાનું ભાડું ચૂકવ્યું નહોતું અને વાહનો પણ પરત કર્યાં નહોતાં. બાદમાં તેનો મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ આવતો હતો. પોતે છેતરાયા હોવાની જાણ થતાં એક યુવકે માલવણી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડ્યો હતો.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સિંહે આ રીતે મેળવેલાં વાહનો ગુજરાત, ગોવા અને સોલાપુર સહિત અન્ય શહેરોમાં વેચ્યાં હતાં. વાહન ખરીદનારાઓને પણ સિંહે ચૂનો ચોપડ્યો હતો. વાહનના માલિક વિદેશમાં છે. ભારત આવ્યા પછી વાહનના દસ્તાવેજો ટ્રાન્સફર કરવામાં આવશે, એવું કહીને નાણાં લઈ તે ફરાર થઈ જતો હતો. પોલીસે 26 વાહનો હસ્તગત કર્યાં હતાં, જ્યારે બેની શોધ ચાલી રહી છે.