મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ: ફિલ્મ અભિનેતા ડિનો મોરિયાની ઇડીએ બીજી વાર પૂછપરછ કરી

મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65 કરોડ રૂપિયાના કૌભાંડ સંબંધી મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ના અધિકારીઓએ ગુરુવારે ફિલ્મ અભિનેતા ડિનો મોરિયા અને તેના ભાઇની ત્રણ કલાકથી વધુ સમય પૂછપરછ કરી હતી. છેલ્લા આઠ દિવસમાં ઇડી દ્વારા ડિનો મોરિયાની બીજી વખત પૂછફરછ કરાઇ હતી.
ડિનો મોરિયા અને તેનો ભાઇ ગુરુવારે સવારે ઇડીની બેલાર્ડ એસ્ટેટ ખાતેની ઓફિસમાં હાજર થયા હતા અને તપાસમાં જોડાયા હતા. બંનેની ત્રણ કલાકથી વધુ સમય પૂછપરછ કરાયા બાદ તેમને ઘરે જવા દેવામાં આવ્યા હતા. જો જરૂર પડે તો તેમને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે, એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
ડિનો મોરિયા વોડર ઇન્ડિયા લિમિટેડના કેતન કદમ સાથે મિત્રતા ધરાવે છે અને બંને છેલ્લાં પચીસ વર્ષથી એકબીજાને ઓળખે છે. મીઠી નદીમાંથી ગાળ કાઢવાના કૌભાંડની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ વચેટિયા કેતન કદમની ધરપકડ કરી હતી.
ડિનો મોરિયા અને કદમ વચ્ચે 14-18 લાખ રૂપિયાના પાંચથી સાત નાણાકીય વ્યવહારો થયા છે અને આ વ્યવહારોની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે આર્થિક ગુના શાખાએ ગયા મહિને દાખલ કરેલા એફઆઇઆરમાં જે 13 જણનાં નામ આરોપી તરીકે આપવામાં આવ્યાં હતાં, એ પાલિકાના અધિકારી, કોન્ટ્રેક્ટરો અને વચેટિયાના નિવાસ અને ઓફિસ સહિત પંદરથી વધુ સ્થળે ઇડીએ ગયા સપ્તાહે રેઇડ પાડી હતી. ઇડીની ટીમે ડિનો મોરિયાના બાંદ્રાના નિવાસે પણ સર્ચ કરી હતી. બાદમાં ડિનો અને તેના ભાઇને તપાસમાં જોડાવા માટે સમન્સ પાઠવાયા હતા.
આ પણ વાંચો - દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં વૃદ્ધની હત્યા: આરોપી પકડાયો
ઇડીની ટીમે મુંબઈ ઉપરાંત કેરળમાં પણ રેઇડ પાડી હતી, કારણ ડિસ્ટિલિંગ મશીન પૂરી પાડતી કંપનીઓમાંની એક મેટપ્રોપ ટેક્નિકલ સર્વિસીસ પ્રા.લિ. કોચી સ્થિત છે.