જિતેન્દ્ર આવ્હાડ સામે ગુનો નોંધવામાં નહીં આવે તો…જાણો કોણે આપી ચેતવણી
મુંબઈઃ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ જે રીતે રાજકીય માહોલ બગડ્યો છે જોતા આ ધાર્મિકને બદલે આ રાજકીય કાર્યક્રમ બની ગયો છે. કર્ણાટકમાં આ મામલે હિંસા ભડકી છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ માહોલ ગરમાયો છે. મહારાષ્ટ્રના શરદ પવારની એનસીપીના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ કેબિનટ પ્રધાન જીતેન્દ્ર આવ્હાડના નિવેદન બાદ રાજ્યમાં ઠેર ઠેર તેમનો વિરોધ થયો છે.
જીતેન્દ્ર આવ્હાડે રામ માંસાહારી હતા એવું નિવેદન કરીને હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી એક દિવસ પૂરતો મહારાષ્ટ્રમા માસાંહાર બંધ રાખવામાં આવે તેવી અપીલ કરનારા રામ કદમે ટ્વીટ કરી સીધો ઉદ્ધવ ઠાકરે પર નિશાન માર્યું છે.
જો શિવસેના સુપ્રીમો બાળસાહેબ ઠાકરે હયાત હોત તો આ પ્રકારે નિવેદન આપનારાની કફોડી હાલત કરી નાખી હોત તેમ કહી તેમે ઉદ્ધવની શિવસેનાને ટોણો માર્યો છે. હાલમાં ઉદ્ધવનો પક્ષ શરદ પવારની એનસીપી સાથે ગઠબંધન ધરાવતો હોવાથી ચૂપ છે. તો બીજી બાજુ એનસીપીના જ અજિત પવાર જૂથના વિધાનસભ્ય આનંદ પરાંજપેએ જીતેન્દ્ર આવ્હાડ ઉપર તાત્કાલિક એફઆઈઆર કરવાની ચેતાવણી આપી છે. જો આમ નહીં થાય તો વર્તક નગર પોલીસ સ્ટેશન બહાર મહાઆરતી કરવામા આવશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
રામ મંદિરના મહોત્સવ પ્રસંગે કોને આમંત્રણ આપવામાં આવ્યું અને કોને નહીં તે વિષયથી શરૂ થયેલો આ વિવાદ રાજકારણીઓ આટલી નીચલી કક્ષાએ લઈ ગયા છે તે ખરેખર શરમની વાત છે.