ભાયખલામાં દુકાનમાં ભીષણ આગ: પાંચનો બચાવ
(અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલા (પશ્ર્ચિમ)માં સાકળી ગલીમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની દુકાનમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ દુકાનમાં રહેલા બે એલપીજી કુકિંગ ગૅસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ પર નિયંત્રણ મેળવવા માટે ફાયરબ્રિગેડની ૧૨ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગી ત્યારે ઈમારતમાં અમુક લોકો ફસાઈ ગયા હતા, તેમને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ભાયખલાના સાકળી રોડ પર હયાત મેડિકલ નજીક સૈફી મંઝિલ પાસે આવેલી ગ્રાઉન્ડ પ્લસ એક અને ગ્રાઉન્ડ પ્લસ બે માળની દુકાનમાં બુધવારે વહેલી સવારના ૭.૨૯ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર ૫,૦૦૦થી ૬,૦૦૦ સ્કવેર ફૂટના વિસ્તારમાં આ દુકાનો આવેલી હતી. આગને કારણે કોઈ જખમી થયું નહોતું, પરંતુ આગ લાગ્યા બાદ થયેલા એલપીજી સિલિન્ડર બ્લાસ્ટને કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનનો અમુક હિસ્સો તૂટી પડ્યો હતો.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ આગે ઝડપભેર ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. વિદ્યુત તાર આગના સંપર્કમાં આવ્યા બાદ આગ વધુ ફેલાઈ હતી. આગ લાગી ત્યારે અનેક લોકો અંદર ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. આગ ઝડપથી ફેલાઈ હતી, જેમાં ચાર દુકાનોમાં રહેલો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મુખ્યત્વે ચપ્પલ, કપડા, ઈલેક્ટ્રિક આઈટમ અને ચામડાની વસ્તુઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ આગ લાગ્યા બાદ ત્યાં દુકાનમાં રહેલા બે એલબીજી કુકિંગ ગૅસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને તેને કારણે આગ દુકાનના બીજા અને ત્રીજા માળા સુધી ફેલાઈ હતી.
આઠ મોટર પંપ અને અન્ય સાધનોની મદદથી આગ પર નિયંત્રણ મેળવવાના ફાયરબ્રિગેડે ભારે પ્રયાસ કર્યા હતા. ઈમારતમાં અંદર પાંંચ લોકો ફસાયા હતા, જેમાં ત્રણ મહિલા હતાં. તેમને સીડીની મદદથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. લગભગ ૧૨.૩૦ વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.