આમચી મુંબઈ

ભાયંદરની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ: એકનું મોત

આગમાં ૫૦થી વધુ ઝૂંપડાં-દુકાનો ખાક: ફાયરબ્રિગેડના ત્રણ જવાન સહિત પાંચ જખમી

(જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયંદર પૂર્વમાં આવેલી આઝાદ નગર ઝૂંપડપટ્ટીમાં મળસકે લાગેલી ભીષણ આગમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે ફાયર બ્રિગેડના ત્રણ જવાન સહિત ચાર જણ જખમી થયા હતા. આગને કારણે સ્થાનિક પરિસરમાં ધડાકાના અવાજ સંભળાતા હતા અને દૂર દૂર સુધી ધુમાડા નજરે પડતાં રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મીરા-ભાયંદર મહાનગરપાલિકાના કમિશનર સંજય કાટકરે જણાવ્યું હતું કે ભાયંદરના ગોલ્ડન નેસ્ટ સર્કલ પાસેની આઝાદ નગર ઝૂંપડપટ્ટીમાં બુધવારના મળસકે પાંચ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ રહેવાસીઓ ઝૂંપડાંમાંથી બહાર દોડી આવ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આઝાદ નગર પરિસરમાંનાં મોટા ભાગનાં ઝૂંપડાં મહાપાલિકાના પ્લૉટ પર ગેરકાયદે બાંધવામાં આવ્યાં હતાં. આ પરિસરમાં મોટી સંખ્યામાં લોકો રહે છે, ઉપરાંત દુકાનો, ભંગારનાં ગોદામ અને ઑફિસ પણ બાંધવામાં આવી છે.

આગ લાગતાં જ રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયત્નો કરવા લાગ્યા હતા. દરમિયાન બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મુંબઈથી સાત, મીરા-ભાયંદરથી સાત, થાણેથી ચાર અને વસઈ-વિરારથી ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે રવાના કરાયાં હતાં.

ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ કલાકોની જહેમત પછી ૨૪ ફાયર એન્જિનની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઘટનાસ્થળેથી શખસનો બળેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ દીપક ચૌરસિયા તરીકે થઈ હતી.

આગને કારણે બે બાળક દાઝ્યાં હતાં, જેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આગ ઓલવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના ત્રણ જવાન પણ ઘવાયા હતા. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન આગને કારણે સ્થાનિકોને અનેક ધડાકા સાંભળવા મળ્યા હતા. રાંધણ ગૅસનાં સિલિન્ડર સ્ફોટને કારણે કે કેમિકલનાં ડ્રમને કારણે ધડાકા સંભળાયા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. આગમાં ૫૦થી વધુ ઝૂંપડાં અને દુકાનો સળગી ગઈ હોવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?