આમચી મુંબઈ

ઓશિવરામાં શોપિંગ મૉલમાં ભીષણ આગ

ત્રણ ફાયરમૅન સહિત પાંચ જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જોગેશ્ર્વરી (પશ્ર્ચિમ)માં ઓશિવરામાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના હીરા પન્ના મૉલમાં શુક્રવારે બપોરના ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડે એક મહિલા સહિત ૧૪ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાતા હતા. બચાવ કામગીરી દરમિયાન ત્રણ ફાયરબ્રિગેડના કર્મચારીઓને શ્ર્વાસ રૂંધાવાની તકલીફ થતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડિઝાસ્ટર મૅનેજેન્ટના જણાવ્યા મુજબ ઓશિવરા પોલીસ સ્ટેશન નજીક આવેલા હીરા પન્ના મૉલમાં બપોરના ૩.૧૦વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. એ સમયે મૉલમાં આવેલી દુકાનમાં અને જીમમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આગને બુઝાવવા માટે ફાયરબ્રિગેડના ૧૨ ફાયર ઍન્જિનો સહિત ૨૫ જેટલા ફાયર બ્રિગેડના વાહન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આગ લાગી ત્યારે ઘણા લોકો મૉલની અંદર રહેલા જીમમાં ફસાઈ ગયા હતા. આગથી બચવા માટે અમુક લોકો મૉલના ટેરેસ પર પહોંચી ગયા હતા. ‘ટર્ન ટેબલ લેડર’નો ઉપયોગ કરીને પાંચ લોકોને ટૅરેસમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. બે પુરુષ સહિત એક મહિલાને ‘એંગસ’ સીડીનો ઉપયોગ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય છને દાદરા પરથી ઉતારીને બહાર કાઢવામાં આવ્યા હતા.
બીજા અને ત્રીજા માળે લગભગ એક ડઝન દુકાનોમાં ઈલેક્ટ્રિક વાયરિંગ અને ઈન્સ્ટોલેશનમાં આગ ફેલાઈ ગઈ હતી.
આગ બુઝાવવાની કામગીરી દરમિયાન નીકળેલા ધુમાડાને કારણે ત્રણ ફાયરમેનને શ્ર્વાસ રૂંધાવાની તકલીફ થઈ હતી, જેમાં ગોરેગાંવ ફાયર સ્ટેશનના સંદીપ મારુતી પાટીલ, રાજુ ઉત્તમ શિંગણકર અને યોગેશ કોંડાવારનો સમાવેશ થાય છે. સંદીપ અને રાજુને પાલિકા સંચાલિત કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાર યોગેશને જોગેશ્ર્વરીમાં આવેલી ટ્રોમા કેર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં
આવે છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button