આમચી મુંબઈ

કુર્લામાં એસઆરએ બિલ્ડિંગમાં ભીષણ આગ: ૩૯ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લા (પશ્ર્ચિમ)માં એક એસઆરએ બિલ્ંિડગમાં શુક્રવારે મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કારણે બિલ્ંિડગમાં ૫૦થી ૬૦ રહેવાસીઓ ફસાઈ ગયા હતા, જેને ફાયરબ્રિગેડે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જોકે ધુમાડો શ્ર્વાસમાં જવાને કારણે ૩૯ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગની ફાયર સૅફટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું હતું.
કુર્લામાં કોહિનૂર હૉસ્પિટલ પાસે બિલ્ડિંગ નંબર સાત, ડૉ. ભીમરાવ રાવજી આંબેડકર નામની હાઉસિંગ સોસાયટી આવેલી છે, જેમાં ઈ વિંગમાં શુક્રવાર રાતના પોણા બાર વાગ્યાની આસપાસ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. ક્ષણ ભરમાં આગ ગ્રાઉન્ડ ફ્લોરથી ઈલેક્ટ્રિક ડક્ટમાંથી ૧૨માં માળા સુધી પહોંચી ગઈ હતી.
બિલ્ંિડગમાં આગ લાગી હોવાની જાણ થતા રહેવાસીઓએ જીવ બચાવવા માટે બહાર દોડ મૂકી હતી. આ દરમિયાન ફાયરબ્રિગેડ ચાર ફાયર ઍન્જિન સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ
હતી અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
ફાયરબ્રિગેડના અધિકારીના કહેવા મુજબ આગને કારણે બિલ્ડિંગમાં મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ જવાને કારણે આજુબાજુ દેખાવાનું બંધ થવાને કારણે લગભગ ૫૦થી ૬૦ રહેવાસીઓ જુદા જુદા માળે ફસાઈ ગયા હતા.
વિનોબા ભાવે નગર પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોએ ૧૨ માળા સુધી ઉપર જઈને બિલ્ડિંગમાં ઉપર ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢ્યા હતા. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ ધુમાડાને કારણે ગૂંગળામણ થવાને કારણે ૩૯ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ચારને કોહિનૂર હૉસ્પિટલ અને બાકીના ૩૫ લોકોને ઘાટકોપરમાં આવેલી પાલિકા સંચાલિત રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં ચાર લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. જોકે તપાસ બાદ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે એવું મુંબઈ ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઑફિસરે જણાવ્યું હતું.
નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં પણ આ જ પરિસરમાં અન્ય એક એસઆરએ બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં ૭૦ વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું અને બે લોકો જખમી થયા હતા.

આ એસઆરએ બિલ્ંિડગમાં મોટાભાગના સ્થાનિકોને ઘાટકોપર (પશ્ર્ચિમ)માં આવેલા આંબેડકર નગર વિસ્તારમાંથી અહીં શિફ્ટ કરવામં આવ્યા હતા. આંબેડકર નગરમાં તાનસા પાઈપલાઈનની આસપાસ આ લોકો રહેતા હતા અને પાલિકાએ કોર્ટના આદેશ બાદ પાઈપલાઈનની આજુબાજુના તમામ અતિક્રમણ હટાવ્યા હતા અને તેમને અહીં કુર્લામાં એસઆરએ બિલ્ડિંગમાં ઘર આપ્યા હતા.

ટેરેસ પર તાળું
હોવાથી ફસાયા

બિલ્ંિડગના રહેવાસીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ઘરના લોકો સહિત આજુબાજુના તમામ લોકોને દરવાજા ખટખટાવીને તેમને બહાર નીકળવા કહ્યું હતું. આગ વધુ તીવ્ર થાય તે પહેલાં અનેક લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે અમુક લોકો જીવ બચાવવા માટે ટેરેસ પર ગયા હતા. પરંતુ ટેરેસ પર દરવાજાને તાળુ માર્યું હોવાથી તેઓ ઉપરના માળા પર ફસાઈ ગયા હતા. બાદમાં ફાયરબિગ્રેડે દાદરા પરથી નીચે ઉતારી તેમને બહાર કાઢયા હતા.

ફાયર ફાઈટિંગ સિસ્ટમ ખામીયુક્ત
આ બિલ્ડિંગમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ બેસાડેલી તો હતી. પરંતુ તે કામ કરતી ન હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક ભૂતપૂર્વ નગરસેવકના કહેવા મુજબ અહીંના રહેવાસી મોટાભાગના ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી આવેલા છે, તેઓ ફાયર ફાઈટિંગ સિસ્ટમની જાળવણી કરવામાં અસમર્થ છે, જેને સમયાંતરે જાળવણીની જરૂર પડે છે. મુંબઈ ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઑફિસર રવિન્દ્ર આંબુલગેકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે બિલ્ડિંગની ફાયર ફાઈટિંગ સિસ્ટમ ખામીયુક્ત હતી. તેથી કામ કરતી નહોતી. બિલ્ંિડગને હજી ઑક્યુપેશન સર્ટિફિકેટ પણ મળ્યું નથી. પૂરી દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે. તેમ જ ફાયર ફાઈટિંગ સિસ્ટ બંધ હોવાથી તેને નોટિસ ફટકારવામાં આવશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button