હવે મધ્ય રેલવેની ટ્રેનોમાં ફેરિયાઓ જોવા મળશે: ૧,૫૦૦ વેન્ડર્સને આપવામાં આવશે લાઈસન્સ
મુંબઈ: સબર્બનની લોકલ ટ્રેનોમાં ફેરિયાઓને વસ્તુઓ વેચવામાં પ્રતિબંધ છે, પરંતુ મધ્ય રેલવેની ટ્રેનોમાં લાઈસન્સધારક ફેરિયાઓને મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરી છે. લોકલ ટ્રેન સહિત અમુક મેલ-એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ અમુક ટ્રેનોમાં પ્રતિબંધ કાયમ રહેશે.
મુંબઈ ડિવિઝનની એસી, નોન-એસી સહિત મેલ-એક્સપ્રેસ ટ્રેન અને પેસેન્જર ટ્રેનની સાથે સબર્બન ટ્રેનોમાં વેન્ડિંગ કામગીરી માટે બે મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. પહેલી ઈ-ઓક્શન માટે મેલ-એક્સપ્રેસ ટ્રેન અને પેસેન્જર ટ્રેનમાં તમામ વર્ગમાં ખાદ્ય અને બિનખાદ્ય વસ્તુઓને વેન્ડિંગમાં સમાવિષ્ટ કરવામાં આવી છે, પરંતુ મહાનગરી એક્સપ્રેસ, રાજધાની, દૂરંતો અને અન્ય પ્રીમિયમ ટ્રેનોને તેનાથી બાકાત રાખી છે.
ડિવિઝન તરફથી મળતી માહિતી પ્રમાણે લાઈસન્સધારકને બિનઉપયોગી વસ્તુઓ જેમ
કે પ્રવાસ સંબંધિત વસ્તુઓ, મોબાઈલ/લેપટોપ સંબંધિત ઉપકરણો, સ્ટેશનરી, ન્યૂઝ પેપર, પત્રિકાઓ, પુસ્તકો વગેરે વેચવાની ફેરિયાઓને છૂટ આપવામાં આવશે. એના સિવાય પેકેજ ફૂડ, સ્નેક્સ સહિત અન્ય વસ્તુઓને મંજૂરી આપવામાં આવશે.
હાલના તબક્કે મુંબઈ સબર્બનની ટ્રેનોમાં ફેરિયાઓને કોઈ વસ્તુઓને વેચવા માટે કોઈ મંજૂરી આપી નથી. જોકે, લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ૫૦૦ વેન્ડરને લાઈન્સ આપવામાં આવ્યા છતાં અમુક ટ્રેનોનો તેમાં સમાવેશ નથી. લોકલ ટ્રેન માટે પંદરસો વેન્ડર્સને લાઈસન્સ આપવામાં આવશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
ઈ-ઓકશનની પ્રક્રિયા ૨૮મી નવેમ્બરે હાથ ધરવામાં આવશે, જેમાં લોકલ અને એક્સપ્રેસ ટ્રેન માટે અલગ અલગ ઓક્શન કરવામાં આવશે. ગેરકાયદે ફેરિયાઓની અવરજવરમાં રોક લાગશે, જ્યારે લાઈસન્સધારક ફેરિયાઓ પર નજર રહેશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈ ડિવિઝનની ટ્રેનોમાં ફેરિયોને ત્રણ વર્ષનું લાઈસન્સ આપવામાં આવશે, જે મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનની સૌથી મોટી પહેલ હશે. લાઈસન્સ લેનારા વેન્ડર્સને મંજૂરી આપવાનો ઉદ્દેશ તો રેલવે સ્ટેશનના પરિસરમાં લાઈસન્સધારક સ્ટોલવાળાની લૂંટને રોકવાનો છે, જ્યારે ફેરિયાઓને પણ નિયંત્રણમાં રાખવાનો છે, એમ મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો હતો.
અંધેરી-ચર્ચગેટ કોરિડોરમાં પંદર કોચની સર્વિસ વધારવાની પશ્ર્ચિમ રેલવેની વિચારણા
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ખાર-ગોરેગાંવની વચ્ચે નવી લાઈનનું કામકાજ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું, પરિણામે વધુ લોકલ ટ્રેનની સર્વિસ દોડાવવાની સંભાવના વધી ગઈ છે. નોન-એસી લોકલ ટ્રેનના બદલે એસી લોકલ ટ્રેનની સર્વિસ વધારવામાં આવ્યા પછી હવે સ્લો કોરિડોરમાં પણ વધુ ટ્રેન દોડાવવાની વિચારણા છે, જેમાં અંધેરીથી
ચર્ચગેટની વચ્ચે ટ્રેનની સર્વિસ વધારવાની યોજના હાથ ધરવામાં આવી છે, જ્યારે તેના અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. જો બધુ બરાબર રહ્યું તો સ્લો કોરિડોરમાં પંદર કોચની સર્વિસ વધારવામાં આવશે, જેથી પ્રવાસીઓને ટ્રેનોમાં ગીચતાનો સામનો કરવો પડશે નહીં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
હાલના તબક્કે ૧૨ કોચની સર્વિસ તો દોડાવવામાં આવી રહી છે, પરંતુ પંદર કોચની સર્વિસ વધારવામાં આવે તો પેસેન્જર કેપેસિટીમાં પચીસ ટકાનો વધારો થશે. હાલમાં પંદર કોચની ૧૪ રેક છે, જ્યારે રોજ ચર્ચગેટથી વિરાર કોરિડોરમાં ૧૯૯ સર્વિસ દોડાવાય છે.
નવેમ્બર મહિનાથી અંધેરી ચર્ચગેટમાં પંદર કોચની ટ્રેન દોડાવવાનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જ્યારે સર્વેમાં ખાસ કરીને સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈની સાથે સિગ્નલમાં ફેરફાર કરવાની સાથે કેટલા સમયમાં કામકાજ પૂરું કરવામાં આવશે તેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી છે.
સ્લો લાઈનમાં પંદર કોચની લોકલ ટ્રેન દોડાવવાનું કામકાજ પણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે. આ કામકાજ માટે તબક્કાવાર કામગીરી કરવામાંઆવશે, જેમાં બાંદ્રાથી ચર્ચગેટ સુધીના સેક્શનમાં પીકઅવર્સમાં પ્રત્યેક સર્વિસમાં પંદરસો જેટલા પ્રવાસીઓને રાહત થઈ શકે છે. બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) ખાતે ઘણી બધી સરકારી અને અર્ધ સરકારી કચેરીઓને શિફ્ટ કરવામાં આવી હતી, તેથી પ્રવાસીઓની અવરજવર વધી છે. બાંદ્રાથી ચર્ચગેટના કોરિડોરમાં પણ જો સ્લો લાઈનમાં પંદર કોચની ટ્રેનની સર્વિસને એક્સટેન્ડ કરવામાં આવશે તો પણ પ્રવાસીઓને ફાયદો થઈ શકે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
આ મુદ્દે ટ્રાન્સપોર્ટ નિષ્ણાતે કહ્યું હતું કે મેટ્રોના વિવિધ કોરિડોરને ધ્યાનમાં રાખવા જોઈએ. મેટ્રો-થ્રી, મેટ્રો-ટૂબી અને મેટ્રો સેવન વગેરે કોરિડોરના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને દક્ષિણ મુંબઈ સાથે કનેક્ટ કરવામાં આવશે, તેથી પંદર કોચની સર્વિસ વધારવામાં આવી તો ચોક્કસ પ્રવાસીઓને ફાયદો થઈ શકે છે.