ફેડરલના રેટ કટના નિર્ણય પૂર્વે વૈશ્ર્વિક સોનામાં ટકેલું વલણ, સ્થાનિકમાં રૂ. ૨૨૨નો ઘટાડો…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પૂર્વે વ્યાજદરમાં કેટલી કપાત મૂકવામાં આવશે તેની અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૨નો ઘટાડો આવ્યો હતો અને ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૬૯નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી મર્યાદિક રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૬૯ના ઘટાડી સાથે રૂ. ૮૭,૧૬૮ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલી ઉપરાંત ઊંચા મથાળેથી નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૨ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૨,૭૬૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૩,૦૫૪ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોના નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૨૫૬૯.૫૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ભાવ ઔંસદીઠ ૨૫૮૯.૭૮ ડૉલરની વિક્રમ સપાટીથી માત્ર ૨૦ ડૉલર જ દૂર રહ્યા છે. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫૪ ટકા ઘટીને ઔંસદીઠ ૩૦.૫૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે મોડી સાંજે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કે ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરશે તે અંગે અવઢવ પ્રવર્તી રહી છે. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો ૫૦-૫૦ ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. તેમ છતાં તાજેતરમાં અમેરિકા ખાતે રોજગારી ક્ષેત્રે અપેક્ષિત સુધારો જોવા ન મળતો હોવાથી વર્તમાન વર્ષના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૧૦૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.