સાયન બ્રિજની હિમાલયન પુલવાળી થવાની ભીતિ
મુંબઈ: એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાને કારણે શહેરના સાયન રેલવે ઓવરબ્રિજને તોડી પાડવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચવામાં અડચણ ન આવે એ માટે આ બ્રિજને તોડી પાડવાના કામને મુલતવી રાખવામાં આવ્યું હોવાનું કારણ રેલવે પ્રશાસને આપ્યું છે. બીજી બ્રિજની હાલત એટલી કથળી ગઇ છે કે અહીં ગમે તે સમયે હિમાલયન પુલવાળી થઇ શકે છે. આ બ્રિજ જર્જરિત થઇ ગયો હોવાની વાત અનેક માધ્યમો દ્વારા પહોંચાડવામાં આવી છે, તેમ છતાં હાલ તેને તોડી પાડવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે ત્યારે અહીં કોઇ મોટી દુર્ઘટના થાય તો એ માટે કોણ જવાબદાર ગણાશે.
સાયનના અતિજોખમી બ્રિજને 27મી ફેબ્રુઆરીએ તોડી પાડવામાં આવવાનો હતો, પણ હવે તેને 26મી માર્ચે તોડવામાં આવશે. કેમ કે 10મા અને
12મા ધોરણની પરીક્ષા એ સમય સુધીમાં પૂરી થઇ જાય છે. આ પહેલાં પણ અનેક ચિંતાઓને કારણે 20મી જાન્યુઆરી સુધી બ્રિજને તોડી પાડવાના કામને મુલતવી રાખવામાં આવ્યું હતું.
નિષ્ણાતોનું માનવું છે કે જો આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં ન આવે તો હિમાલયન પુલ જેવી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે સલામતીનાં કારણોસર સામાન્ય નાગરિકોએ આ બ્રિજનો વપરાશ કરવાનું બંધ કરી દેવું જોઇએ.
દરરોજ બ્રિજની હાલત બદતર થતી જાય છે, પણ અહીં સવાલ એ થાય છે કે જો કોઇ અનિચ્છનીય ઘટના બને તો તેનો જવાબદાર કોણ છે. મધ્ય રેલવે, પાલિકા, મુંબઈ ટ્રાફિક પોલીસ કે પછી સ્થાનિક નેતા? અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ એજન્સીએ મળીને ફેંસલો લેવાનો નિર્ણય કર્યો હતો, ત્યાર બાદ 10મા અને 12માની પરીક્ષા પૂરી થયા પછી જ બ્રિજને તોડવો એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. અહીં નોંધવું ઘટે કે આઈઆઈટીએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 2020માં તેના ઓડિટ રિપોર્ટમાં સુરક્ષા અંગેની ચિંતાઓ હોવાનું જણાવ્યું હતું. અહેવાલમાં ખરાબ માળખાકીય ઘટકોને કારણે સાયન બ્રિજને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો.