મહારાષ્ટ્રમાં ફાસ્ટ-ફૂડની દિગ્ગજ કંપનીએ સસ્તા તેલનો ઉપયોગ કરતા FDAની કાર્યવાહી
મુંબઈઃ મહારાષ્ટ્ર એફડીએએ ફાસ્ટ ફૂડની દિગ્ગજ ખાનગી કંપની પર બર્ગર અને નગેટ્સમાં અસલી ચીઝને બદલે નકલી ચીઝનો ઉપયોગ કરવા બદલ કડક હાથે કાર્યવાહી કરી છે અને અહમદનગર સ્થિત આઉટલેટનું લાઈસન્સ રદ્દ કરી દીધું છે તેમની વિવિધ વસ્તુઓમાંથી “ચીઝ” શબ્દને કાઢી નાખવા નિર્દેશ આપ્યો છે.
એફડીએ સુધારાત્મક કાર્યવાહીને રાજ્યવ્યાપી અને રાષ્ટ્રીય સ્તરે વિસ્તારવા માટે તેમના પર દબાણ કર્યું છે. ચીઝ વિકલ્પો, અથવા ચીઝ એનાલોગ, પરંપરાગત ડેરી ચીઝના સ્વાદ, રચના અને કાર્યક્ષમતાની નકલ કરીને બનાવાય છે. કથિત રીતે કંપનીની ઘણી વસ્તુઓમાં ચીઝ વિકલ્પો મળી આવ્યા છે, જેમાં સામાન્ય રીતે દૂધ અથવા ડેરી ચરબીને બદલે સસ્તા વનસ્પતિ તેલનો ઉપયોગ કરવામાં આવે છે.
ફૂડ રેગ્યુલેટરી બોડીએ કંપની સામે ફૂડ લેબલ્સ અથવા ઈલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ પર યોગ્ય જાહેરાત કર્યા વિના ચીઝ એનાલોગ્સનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો, જેનાથી લોકો એવું વિચારે છે કે તેઓ વાસ્તવિક ચીઝ ખાય છે. એફડીએ કમિશનર અભિમન્યુ કાલેએ જણાવ્યું હતું કે આવી નિર્ણાયક વિગતોની બાદબાકી એ ગ્રાહકો માટે સંપૂર્ણ ગેરમાર્ગે દોરનારી છે અને તેનાથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.
કંપની સામેની કાર્યવાહી ઓક્ટોબરમાં અહેમદનગરમાં તેમની કેડગાંવ શાખાના નિરીક્ષણ સાથે શરૂ થઈ હતી. ચીઝી નગેટ્સ, મેકચીઝ વેજ બર્ગર, મેકચીઝ નોન-વેજ બર્ગર, મકાઈ અને ચીઝ બર્ગર, ચીઝી ઈટાલિયન વેજ અને બ્લુબેરી ચીઝકેક સહિત ઓછામાં ઓછી આઠ વસ્તુઓમાં ચીઝ એનાલોગ્સ હોવાનું જાણવા મળતાં ફૂડ ઈન્સ્પેક્ટરે સંસ્થાને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. કંપની એફડીએની કાર્યવાહી સામે લડી રહ્યા હોવા છતાં આઉટલેટનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, કારણ કે તેમનો ખુલાસો સંતોષજનક નહોતો.
ખાનગી કંપનીએ ડિસેમ્બરમાં એફડીએને પત્ર લખ્યો હતો કે તેઓએ “ચીઝ” શબ્દ કાઢી નાખીને ઉત્પાદનોનું નામ બદલી નાખ્યું છે. તેઓએ ચીઝી નગેટ્સને વેજ નગેટ્સ, મેકચીઝ વેજ બર્ગરને ચેડર ડિલાઇટ વેજ બર્ગર, બ્લુબેરી ચીઝ કેકને બ્લુબેરી કેક, વગેરે નામ આપ્યા છે.
સાંતાક્રુઝ, કુર્લા અને ભીંડી બજારના કેટલાક આઉટલેટ્સે નવા નામો પ્રદર્શિત કરવાનું શરૂ કર્યું છે. પરંતુ જ્યારે મીડિયાએ ગુરુવારે કંપનીનો સંપર્ક કર્યો ત્યારે કંપનીએ ચીઝ વિકલ્પોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો.