કોને મત આપવો તે મામલે મસ્જિદોમાં ફતવો? મહાયુતીનો આક્ષેપ
મુંબઈઃ આજે મુંબઈની બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે અને મતદારો સારો પ્રતિસાદ આપી રહ્યા છે ત્યારે મહાયુતીએ આક્ષેપ કર્યો છે કે શહેરની 37 મસ્જિદોમાં શિવસેના ઠાકરે જૂથને મત આપવા માટે ફતવા બહાર પાડવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા રોકવા માટે આ ફતવા જારી કરવામાં આવ્યા છે. આ પછી શિવસેના શિંદે જૂથે આક્રમક વલણ અપનાવ્યું છે. શિવસેનાના નેતા અને પ્રધાન દીપક કેસરકરે કહ્યું છે કે આ આચારસંહિતાનું ઉલ્લંઘન છે અને ચૂંટણી પંચ અને પોલીસમાં ફરિયાદ કરી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આ સમાજમાં નફરત ફેલાવવાનું કૃત્ય છે. શિંદે જૂથના પ્રવક્તા કિરણ પાવસકરે ફતવાની નકલ સાથે જે જે હૉસ્પિટલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
દીપક કેસરકરે કહ્યું છે કે ફતવા જારી કરવાની રીત ગંભીર છે. આ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. આ ફતવાની નકલ પોલીસને આપવામાં આવી હતી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પોલીસ દ્વારા આ કેસને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો નથી. કેસરકરે માંગ કરી છે કે આ મામલામાં વિલંબ કરનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ. તેમજ આ કેસમાં પોલીસે કાર્યવાહી ન કરી હોવાથી અમે મુખ્ય ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં હાલ મહાયુતીની સરકાર છે અને મુંબઈ પોલીસ કાર્યવાહી નથી કરતી તેવો પ્રધાનનો આક્ષેપ ગંભીર વાત ગણી શકાય.