પુત્રની હત્યા કરનાર પિતાને આજીવન કારાવાસ, જાણો સેશન્સ કોર્ટનો ચુકાદો
મુંબઈ: પિતાની બીજી પત્નીને માતા કહેવાનો ઇનકાર કરનાર પુત્રની હત્યા કરવાના કેસમાં કોર્ટે પિતાને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. ૨૦૧૮ના હત્યાકેસમાં સેશન્સ કોર્ટે સોમવારે આરોપી અને પીડિતના પિતા સલિમ શેખને દોષી ઠરાવ્યો હતો અને કહ્યું હતું કે તપાસકર્તા પક્ષે સફળતાપૂર્વક સાબિત કર્યું છે કે હત્યા માટે ફક્ત આરોપી જ જવાબદાર હતો.
પીડિતની માતા (સલિમની પહેલી પત્ની)એ ઓગસ્ટ ૨૦૧૮માં ફરિયાદ નોંધાવી હતી કે તેના પુત્ર ઇમરાને પિતાની બીજી પત્નીને માતા કહેવાનો ઇનકાર કરતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે પિતાએ ઇમરાનને ઢોરમાર માર્યો હતો.
આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, પરંતુ પોલીસ આવે તે પહેલા જ સલિમે ઇમરાન પર કાતરથી હુમલો કર્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ પણ વાંચો: વલસાડમાં 19 વર્ષની વિદ્યાર્થિનીના રેપ-હત્યાનો કિસ્સોઃ આરોપી નીકળ્યો સિરિયલ કિલર
ઇમરાનને હોસ્પિલમાં લઇ જવાતા તેને મૃત જાહેર કરાયો હતો, એમ ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું. સલિમના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ઇમરાને ડ્રગ્સ લીધું હતું અને તેણે પોતાને ઇજા પહોંચાડીને આત્મહત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આઘારે બચાવ પક્ષે એ સાબિત પણ કર્યું હતું કે ઇમરાને પોતાના ઉપર જ અમુક વાર કર્યા હતા.
તેમ છતાં કોર્ટે બચાવ પક્ષની દલીલને સ્વીકારી નહોતી અને કહ્યું હતું કે જો ઇમરાને આત્મહત્યા કરી હોત તો તેની માતા પોલીસ સ્ટેશનમાં મદદ માગવા ગઇ જ નહોત. જો પીડિત આત્મહત્યા કરવાનો હોત તો તેની માતા અને અન્યોએ તેને જરૂર રોક્યો હોત.