બાળકના બાયોલોજીકલ પિતા સામે ‘અપહરણ’નો ગુનો નોંધી ન શકાય: બોમ્બે હાઇકોર્ટ
મુંબઈ : માતાની કસ્ટડી હેઠળ રહેલા પુત્રને જો પિતા લઇ જાય તો તે ‘અપહરણ’ નથી, તેવો બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે કોર્ટમાં ચુકાદો આપ્યો છે.
બાળકના સગા પિતા પણ તેની સગી માતાની જેમ જ બાળકના ‘કુદરતી અને કાયદેસર વાલી’ ગણાય. આથી તેમની સામે કલમ 361 અને 363 હેઠળ બાળકના અપહરણની ફરિયાદ દાખલ ન થઇ શકે. જો કોઇ ખાસ કાયદાકીય પ્રતિબંધ ન હોય તો, પિતાનું બાળકને લઇ જવું એ કાયદેસર જ ગણાય, તેમાં કાયદાનું કોઇ ઉલ્લંઘન નથી તેમ બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રની અમરાવતી પોલીસે પોતાના 3 વર્ષના બાળકને તેના સગા પિતા બળજબરીપૂર્વક લઇ ગયા હોવાની માતાની ફરિયાદને પગલે પિતા સામે ફરિયાદ નોંધી હતી, જેની સામે પિતાએ હાઇકોર્ટમાં અપીલ કરતા ન્યાયાધીશોએ હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિઅનશીપ એક્ટ-1956 હેઠળ સેક્શન-6ની જોગવાઇ મુજબ ચુકાદો આપ્યો હતો કે બાયોલોજીકલ ફાધર એટલે કે જન્મદાતા પિતા જ જો માતાની કસ્ટડીમાંથી બાળકને લઈ જાય તો તેનો અર્થ એક જન્મદાતા વાલી પાસેથી બીજા જન્મદાતા વાલી પાસે બાળક ગયું તેવો થાય છે.
આમ આ પ્રાથમિક રીતે અપહરણની ક્રિયા નથી. કોર્ટે નોંધ કરી હતી કે આવી ફરિયાદ પર કાર્યવાહી કરવાથી કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે.
હિન્દુ સગીર બાળક માટે તેના સગા પિતા પ્રથમ કુદરતી વાલી છે અને ત્યારબાદ તેની માતા છે. આમ માતાને આ કેસમાં કાયદા હેઠળ કોર્ટે આદેશ આપીને બાળકની કસ્ટડી સોંપવામાં આવી હોય તેવું નથી, આ દ્રષ્ટિએ પિતાએ અપહરણ કર્યું તેમ કહી ન શકાય, એમ કોર્ટે જણાવ્યું હતું.