આમચી મુંબઈ

થાણેમાં આઠ મહિનાના દીકરાનું પોસ્ટમોર્ટમ ન કરવું પડે એટલે મૃતદેહ લઈને પિતા ફરાર

થાણેઃ થાણેમાં દીકરાનું પોસ્ટમોર્ટમ ન કરાવવું પડે એટલે પિતા આઠ મહિનાના દીકરાને લઈને હોસ્પિટલમાંથી રફુચક્કર થઈ ગયો હોવાની ઘટના થાણે પાલિકાના છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં બની હતી. આ ઘટના બાદ હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. હોસ્પિટલ દ્વારા આ બાબતની જાણ પોલીસને કરી હતી અને બાપની શોધ હાથ ધરી છે. પોલીસે દીકરાના મૃતદેહ સાથે પિતાને કલવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

ઘટના વિશે વિસ્તારથી વાત કરવાની થાય તો આઠ મહિનાના બાળકને સારવાર માટે કલવા હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. પરંતુ વહેલી સવારે સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. આ બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યું ત્યારે તેને ન્યુમેનિયા અને ઉધરસની દવાનો ઓવરડોઝ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બાળકના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ કરવું પડશે. ડોક્ટરોએ જણાવ્યું હતું. ત્યાર બાદ બાળકના પિતાએ આનો વિરોધ કર્યો હતો અને બાળકના મૃતદેહને વોર્ડમાંથી લઈને ભાગી ગયો હતો.

હોસ્પિટલના ગેટ પર સિક્યોરિટી ગાર્ડે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમ છતાં તે રિક્ષામાં બેસીને નીકળી ગયો હતો. બીજી બાજુ તેના સંબંધીઓએ પણ સિક્યોરિટી ગાર્ડને પકડી રાખ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા જ હોસ્પિટલ પ્રશાસન દોડતું થઈ ગયું હતું. પ્રશાસન દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શિલ ડાયઘર ખાતેથી પિતાની ધરપકડ કરી હતી. બાળકનો મૃતદેહ હાલ તો હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું.

સૂર્યા સુધીર કુમાર એવું બાળકનું નામ છે અને ગુરુવારે રાતે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો પરંતુ શુક્રવારે વહેલી સવારે સવા પાંચ વાગ્યે બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. 24 કલાકની અંદર મૃત્યુ થયું હોવાને કારણે પોસ્ટમોર્ટમ કરવપું પડે. આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. સવારે સાડાસાત વાગ્યે પરિવારના સભ્યોને આ અંગેની માહિતી આપવામાં આવી હતી. પરંતુ બાળકના પિતા અને સંબંધીઓએ પોસ્ટમોર્ટમ કરવાનો વિરોધ કર્યો અને પિતા પોતાના દીકરાના મૃતદેહને લઈને ભાગી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button