છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એલપીજી ટેન્કરને નડ્યો ભયંકર અકસ્માત, ગેસગળતરને કારણે પ્રશાસન હરકતમાં
વાહનોની અવરજવર બંધ કરાઇ, વીજપુરવઠો કાપી નાખ્યો
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) લઇ જનારું ટેન્કર ગુરુવારે સવારે ફ્લાયઓવરની સાઇડ વૉલ સાથે ભટકાયું હતું, જેને કારણે તેમાંથી ગેસગળતર થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ અકસ્માત બાદ પોલીસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટનાસ્થળના 500 મીટરના પરિઘમાં રહેતા લોકોને તેમના રસોડામાં સ્ટવ ન સળગાવવાની અપીલ કરી હતી. બીજી તરફ આ વિસ્તારમાં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી અને વીજપુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો હતો.
જાલના રોડ પર સિડકો ચોક વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ફ્લાયઓવરના એન્ટ્રી પોઇન્ટ પર ટેન્કર ક્રેશ બેરિયર સાથે ટકરાયું હતું, જેને કારણે તેને નુકસાન થયું હતું અને બાદમાં ટેન્કરમાંથી ગેસગળતર થયું હતું. અકસ્માતની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટેન્કર પર પાણીનો મારો ચલાવ્યો હતો.
દરમિયાન અગ્નિશમન દળ અને પોલીસે ઘટનાસ્થળથી 500 મીટરના પરિઘમાં રહેતા લોકોને તેમના રસોડામાં સ્ટવ ન સળગાવવાની અપીલ કરી હતી.
ગેસગળતર રોકવા માટે ટેન્કરમાંથી ગેસને બીજા વાહનમાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો અને વીજપુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)