વસઇમાં ફાસ્ટ લોકલમાંથી ધક્કો મારી દેતાં સગીર ભાણેજનું મૃત્યુ: મામાની ધરપકડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વસઇમાં ફાસ્ટ લોકલમાંથી મામાએ ધક્કો મારી દેતાં 16 વર્ષની ભાણેજનું મૃત્યુ થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. વાલિવ પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને 28 વર્ષના મામાની ધરપકડ કરી હતી.
મૃતકની ઓળખ કોમલ સોનાર તરીકે થઇ હોઇ તે માતા સાથે માનખુર્દ વિસ્તારમાં રહેતી હતી. કોમલ સોનારની માતા દર્દીઓની સંભાળ રાખવાનું કામ કરે છે.
15 નવેમ્બરે કોમલ અચાનક ઘરેથી નીકળી ગઇ હતી અને પાછી ફરી નહોતી. આથી પરિવારે સગાંવહાલાં પાસે પૂછપરછ કરી હતી, પણ તેની કોઇ જ ભાળ મળી નહોતી. બીજે દિવસે સવારે તેમને માહિતી મળી હતી કે કોમલ નાલાસોપારામાં રહેનારા તેના મામા અર્જુન સોનીના ઘરે ગઇ છે. આથી મોટી મામી તેને લાવવા માટે ગઇ ત્યારે કોમલ ફરી ત્યાંથી ગાયબ થઇ ગઇ હતી. શંકા જતાં મોટી મામીએ વાલિવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.
અર્જુન સોનીએ બાદમાં કોમલના મોબાઇલથી તેની માતાને કૉલ કર્યો હતો અને જણાવ્યું હતું કે કોમલ તેની સાથે છે. કોમલની માતાએ તેને ત્વરિત ઘરે પાછી લાવવા માટે કહ્યું હતું. જોકે અર્જુને તેને પાછી લઇ ગયો નહોતો. દરમિયાન 17 નવેમ્બરે કોમલની માતાને કૉલ આવ્યો હતો, જેમાં જાણ કરવામાં આવી હતી કે કોમલનું ભાયંદર વિસ્તારમાં ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું છે. કોમલની માતા પોલીસ સ્ટેશનમાં ગઇ ત્યારે તેણે જોયું કે અર્જુન પોલીસ કસ્ટડીમાં છે.
રેલવે પોલીસના જણાવ્યા અનુસાર કોમલ અને અર્જુન ઘટનાને દિવસે ભાયંદર સ્ટેશનથી ચર્ચગેટ-વિરાર ફાસ્ટ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં ચડ્યાં હતાં. બંને જણ દરવાજા નજીક ઊભાં હતાં ત્યારે અર્જુને પાછળથી કોમલને ધક્કો માર્યો હતો, જેમાં તે નાયગાંવ નજીક રેલવે ટ્રેક પર પટકાઇ હતી અને ગંભીર ઇજાને કારણે તેનું મૃત્યુ થયું હતું.
સાક્ષીદાર એવા વિરારના પ્રવાસીએ આખી ઘટના જોઇ હતી અને તેણે અન્ય પ્રવાસીઓની મદદથી અર્જુનને પકડી પાડ્યો હતો અને બાદમાં તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. વસઇ રોડ રેલવે પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. આરોપી હાલ વાલિવ પોલીસની કસ્ટડીમાં છે.
દરમિયાન કોમલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાયંદરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને હત્યાનો કેસ બાદમાં વાલિવ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આરોપી મામાએ આવું શા માટે કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.



