આમચી મુંબઈ

ટૂંક સમયમાં યુવાનોની ફેવરેટ ફેશન હબ એવી આ સ્ટ્રીટનું થશે મેકઓવર… પાલિકા એક્શન મોડમાં

મુંબઈઃ છેલ્લાં કેટલાક વર્ષોથી રખડી પડેલું ફેશન સ્ટ્રીટના મેકઓવરનો પ્રોજેક્ટ હવે ટૂંક સમયમાં જ ફરી હાથ ધરવામાં આવે એવી શક્યતા છે. યુવાનોમાં આ સ્ટ્રીટ બેસ્ટ શોપિંગ પ્લેસ તરીકે પ્રખ્યાત છે અને ટૂંક સમયમાં જ આ ફેશન સ્ટ્રીટ યુવેપેઢી સમક્ષ નવા રંગરૂપ સાથે રજૂ થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

પાલિકા દ્વારા આ વિસ્તારના પુરાતન વારસાનું જતન કરીને ખરીદી માટે આવતા લોકોને સુખ-સુવિધા કઈ રીતે આપી શકાય એ માટે સલાહકાર સમિતીની પસંદગી કરવામાં આવશે. ક્રોસ મેદાન ઢંકાઈ ના જાય એ રીતે અહીંની દુકાનો ફરી ઊભી કરવામાં આવશે.

દક્ષિણ મુંબઈમાં ક્રોસ મેદાનને લાગીને જ આવેલી ફેશન સ્ટ્રીટ એ મુંબઈની ખાસ ઓળખ છે. મુંબઈમાં બધી જ જગ્યાએ વિવિધ પ્રકારના કપડાંની ખરીદી કરી શકાતી હોવા છતાં એમાં ફેશન સ્ટ્રીટનું એક આગવું જ સ્થાન છે. મુંબઈમાં નવા આવનારા પર્યટકો પણ અહીં આવીને ખરીદી ચોક્કસ કરે છે. યંગ જનરેશન માટે લેટેસ્ટ ટ્રેન્ડના કપડાં મેળવવાનું એક જ સ્થળ છે અને એ સ્થળ એટલે ફેશન સ્ટ્રીટ.


પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોની વાત કરીએ તો આ ફેશન સ્ટ્રીટ કદરૂપી બની ગઈ છે. મન ફાવે તેમ લગાવવામાં આવેલા સ્ટોલ્સ, દુકાનો, ગેરકાયદેસર ફેરિયાઓએ વગેરેને કારણે અહીં ચાલવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. ફેશન સ્ટ્રીટની પાછળની બાજુએ આવેલું ક્રોસ મેદાન પણ આ દુકાનદારો દ્વારા લગાવવામાં આવેલા કપડાંને કારણે ઢંકાઈ ગયું છે. આ બધું જોતા હવે આ સ્ટ્રીટની કાયાપલટ કરવાની તાતી જરૂર ઊભી થઈ છે એવી જાહેરાત પાલક પ્રધાન દિપક કેસરકર દ્વારા કરવામાં આવી છે. હવે પાલિકાએ એ અનુસાર આ કામ માટે સલાહકારોની નિમણૂંક કરી છે.


ફેશન સ્ટ્રીટ પર આશરે 100 જેટલી અધિકૃત દુકાનો છે પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોની વાત કરીએ તો દુકાનની સંખ્યા 200થી પણ વધુ છે. ફાળવવામાં આવેલી જગ્યા કરતાં વધુ જગ્યામાં આ દુકાનો ઊભા કરવામાં આવ્યા છે જેને કારણે ફેશન સ્ટ્રીટની કાયાપલટ કરતી વખતે આ દુકાનો યોગ્ય રીતે બનાવવામાં આવશે, એવી માહિતી પાલિકાના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.


પર્યટકો આ જગ્યા પર થોડો સમય બેસી શકે એવી ગોઠવણ કરવામાં આવશે એવું પાલિકાના અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું. આ ઉપરાંત અહીં પ્રસાધનગૃહ પણ બનાવવામાં આવશે અને આ કામ માટેનું પ્રેઝેન્ટેશન હાલમાં જ કરવામાં આવ્યું હોઈ, ટૂંક સમયમાં કામની શરૂઆત પણ થશે, એવી માહિતી પણ તેમણે આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button