આઇઆઇટી-બૉમ્બેમાં યોજાયેલો ફારુકીનો કાર્યક્રમ વિદ્યાર્થીઓના વિરોધને કારણે રદ
મુંબઈ: લેખક, પરર્ફોર્મર અને ડિરેક્ટર મેહમૂદ ફારુકીનો ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-બૉમ્બે (આઇઆઇટી-બી)માં શનિવારે યોજાનારો કાર્યક્રમ અમુક વિદ્યાર્થીઓના વિરોધને કારણે રદ કરવાની ફરજ પડી હતી.
આઇઆઇટી-બીના ઇઝહાર ફેસ્ટિવલમાં ફારુકી દ્વારા ‘દાસ્તાન-એ-કર્ણ: અ મહાભારત’ કાર્યક્રમ રજૂ કરવામાં આવનાર હતો. ફારુકીને જાતીય સતામણીના કેસમાં પહેલા દોષી ઠરાવવામાં આવ્યા હતા અને પાછળથી તેમને દોષમુક્ત કરાયા હતા. વિદ્યાર્થીઓએ સંસ્થાના કૅમ્પસમાં તેમનો કાર્યક્રમ યોજાવા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો: PM Modiની મુલાકાત કચ્છીઓને ફળશે, આટલા કરોડના પ્રોજેક્ટનું થશે લોકાર્પણ
‘ફારુકીને જાતીય સતામણીના કેસમાં પહેલા દોષી ઠરાવી પછી છોડી દેવામાં આવ્યા. કૅમ્પસમાં તેમની હાજરી સંસ્થાની સંમતિ, જવાબદારી અને અમારી સુરક્ષા અંગે ખોટો સંદેશો ફેલાવશે’, એમ જણાવતો પત્ર ફારુકીના કાર્યક્રમનો વિરોધ કરતા એક વિદ્યાર્થીએ સંસ્થાના ડિરેક્ટર, ડીન (વિદ્યાર્થી બાબતના), એસોસિયેટ ડીન (વિદ્યાર્થી બાબતના) અને એઆઇએના ડેપ્યુટી ડિરેક્ટરને લખ્યો હતો.
આ દરમિયાન કાર્યક્રમનું આયોજન કરનાર વિદ્યાર્થીઓની પાંખે અમુક ટેક્નિકલ ખામીને કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યુ હતું. કાર્યક્રમના આયોજનના કારણે મોટો વિવાદ ઊભો થવાની શક્યતાને કારણે સંસ્થા દ્વારા તે રદ કરવામાં આવ્યો હોવાનું જણાઇ રહ્યું છે, જ્યારે અમુક વિદ્યાર્થીઓએ કાર્યક્રમ પહેલા, કાર્યક્રમ સમયે અને ત્યાર બાદ વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી આપી હતી. (પીટીઆઇ)