ખેડૂત આત્મહત્યાઃ મહારાષ્ટ્રમાં પીડિતોના પરિવારો માટે નાણાકીય સહાય ફરી શરુ કરી…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં તીવ્ર પ્રતિક્રિયા અને આકરી ટીકાઓ પછી મહારાષ્ટ્ર સરકારે આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારો માટે આર્થિક સહાય રોકવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. આ યોજના આત્મહત્યા કરનારા ખેડૂતોના વારસદારોને ૧ લાખ રૂપિયાની રાહત આપે છે. ૩ સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા પ્રારંભિક સરકારી પરિપત્રમાં સરકારે જણાવ્યું હતું કે કટોકટી ભંડોળ હવે ઉપલબ્ધ રહેશે નહીં, જેની વ્યાપક ટીકા થઇ હતી.
વિપક્ષે દાવો કર્યો કે આ ભંડોળને ‘લાડકી બહેન’ યોજનામાં વાળવામાં આવી રહ્યું છે. જો કે, નવા સરકારી પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ યોજના માટેના ભંડોળ વિભાગીય કમિશનરોને ફાળવવામાં આવ્યા છે અને અગાઉની જેમ જ જિલ્લા કલેક્ટર દ્વારા વિતરિત કરવામાં આવશે. રાહત અને પુનર્વસન મંત્રી અનિલ ભાઈદાસ પાટીલે કહ્યું હતું કે “જો ભંડોળની અછત હશે તો વધુ ફાળવવામાં આવશે, પરંતુ ખેડૂતોને અન્યાય કરવામાં આવશે નહીં.”
આ મુદ્દો ખાસ કરીને વિદર્ભ અને મરાઠવાડા પ્રદેશોમાં સંવેદનશીલ છે, જ્યાં ખેડૂતો મોટી સંખ્યામાં આત્મહત્યા કરે છે. માત્ર છેલ્લા છ મહિનામાં જ આ વિસ્તારોમાં ૧,૦૦૦ થી વધુ ખેડૂતોએ પોતાનો જીવ લીધો છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યને ખેડૂતો માટે આત્મહત્યા-મુક્ત બનાવવાનું વચન આપ્યું હતું, હવે મહારાષ્ટ્રમાં કૃષિ સંકટ અંગે વધતી ચિંતાઓ વચ્ચે તે વચન પૂરું કરવા દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.