એસટી બસની રાહ જોઇ રહેલા ખેતમજૂરોને ટ્રકે અડફેટમાં લીધા: પાંચ મહિલાનાં મૃત્યુ
મુંબઈ: સોલાપુર જિલ્લામાં એસટી (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) બસની રાહ જોતા ઊભેલા ખેતમજૂરોને પૂરપાટ વેગે આવેલી ટ્રકે અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં પાંચ મહિલાનાં મોત થયાં હતાં, જ્યારે બે જણ ઘવાયા હતા.
પંઢરપુર-અતપડી માર્ગ પર બંડગારવાડી ગામમાં મંગળવારે બપોરે 3.45 વાગ્યે આ અકસ્માત થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
ખેતમજૂરો એસટી બસની રાહ જોતા ઊભા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. મહિલાઓની ચીસો સાંભળીને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે બાદમાં પોલીસને ઘટનાની જાણ કરી હતી.
આ અકસ્માતમાં પાંચ મહિલાના ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે ઘવાયેલા બે જણને સારવાર માટે પંઢરપુરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, જ્યાં તેમની હાલત નાજુક છે.
અકસ્માત બાદ સ્થાનિકોએ ટ્રક ડ્રાઇવરને પકડીને ઢોરમાર માર્યો હતો અને બાદમાં તેને પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા, જેને કારણે માર્ગ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.
સંગોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે આરોપી સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. સ્થાનિકોએ કરેલી મારપીટમાં ટ્રક ડ્રાઇવર પણ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. (પીટીઆઇ)