રાજકીય નેતાઓના દબાણને કારણે મરાઠા કાર્યકર્તા પર ખોટા ગુના દાખલ કરાયા: મનોજ જરાંગે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા અનામતને મુદ્દે રાજ્યના રાજકારણમાં તંગદિલી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ મનોજ જરાંગેએ હવે કુણબી અનામત કે પછી ઈડબ્લ્યુએસ (આર્થિક રીતે પછાત વર્ગ)ના આરક્ષણને બદલે સ્વતંત્ર મરાઠા આરક્ષણ આપવાની માગણી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે સોમવારે મનોજ જરાંગેએ એવો આરોપ લગાવ્યો હતો કે રાજ્યના ઓબીસી નેતાઓ દ્વારા દબાણ લાવીને મરાઠા સમાજના લોકો વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
મનોજ જરાંગેએ કહ્યું હતું કે અમે વાતાવરણ બગાડ્યું નથી. અમે શાંતીથી આંદોલન કરી રહ્યા છીએ. વાતાવરણ બગાડવા સાથે અમારે સંબંધ નથી. અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી નથી. અમે શાંતીની અપીલ કરી રહ્યા છીએ. બીજી તરફ સામાન્ય ઓબીસી કશું કહી રહ્યા નથી, પરંતુ ઓબીસી નેતાઓ જ એવા નિવેદનો કરી રહ્યા છે કે હિંસા કરીશું, આત્મહત્યા કરવામાં આવી, મળવા ગયા નહીં જેવા નિવેદનો કરી રહ્યા છે. તેઓ જ એવા નિવેદનો કરી રહ્યા છે કે આ લોકોએ આગજની કરી અને મળવા ગયા.
ઓબીસી નેતાઓ જ મરાઠાઓનો વિરોધ કરી રહ્યા છે. પ્રધાન બનેલો માણસ બધાનો હોય છે, તે મરાઠા વિરુદ્ધ બોલી રહ્યો છે. વિપક્ષી નેતા બંધારણીય પદ પર બેસેલો વ્યક્તિ છે. તે પણ મરાઠા વિરુદ્ધ નિવેદનો કરી રહ્યો છે. કોણ વાતાવરણ બગાડે છે તે બધાને ખબર છે. રાજ્ય સરકારે જ આખા મહારાષ્ટ્રમાં દબાણ લાવીને અમારા (મરાઠા) વિરુદ્ધ ખોટા ગુના નોંધવાની ફરજ પાડી છે અને તેમાં ઓબીસી નેતાનો મોટો હાથ છે, એમ મનોજ જરાંગેએ કહ્યું હતું.