ખાંડના ગગડેલા ભાવ, રાજ્યના સાકર કારખાનાઓ નુકસાનીમાં…

મુંબઈ: શેરડી પીલાણની મોસમ ચાલી રહી છે ત્યારે ખાંડના દરમાં મોટો ઘટાડો થયો છે. ખાંડના દર પ્રતિ ક્વિન્ટલે ૩,૩૦૦ રૂપિયા સુધી નીચે ગબડ્યા છે. ૨૦૧૯થી ખાંડનો લઘુતમ વેચાણ દર ૩,૧૦૦ રૂપિયા છે. બીજી તરફ શેરડીના ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ (એફઆરપી)માં દર વર્ષે વધારો કરવામાં આવી રહ્યો છે. તેથી સાકર કારખાનાઓની આર્થિક સ્થિતિ લથડી ગઇ છે.
દેશભરમાં નવેમ્બરથી શેરડી પિલાણની મોસમ શરૂ થઇ છે. પિલાણ કરતા કારખાનાની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. દિવાળીમાં ખાંડના દર પ્રતિ ક્વિન્ટલે ૩,૭૦૦ રૂપિયા પર પહોંચ્યા હતા, પરંતુ ત્યારથી અત્યાર સુધી તેના દરમાં પ્રતિ ક્વિન્ટલે ૪૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો : નવી મુંબઈમાં 12 કરોડનું ડ્રગ્સ જપ્ત:16 આફ્રિકન નાગરિકની ધરપકડ…
ખાંડના દરમાં શા માટે ઘટાડો?
ઠંડીના દિવસોમાં આઇસક્રીમ, ઠંડા પીણાની માગણી ઘટે છે, વધુ તહેવારો પણ હોતા નથી તેથી ખાંડની માગણી ઓછી થતી હોય છે. દેશભરમાં એક મહિનામાં સરેરાશ બાવીસ લાખ ટન ખાંડની માગણી હોય છે. દિવાળી નિમિત્તે સરકારે આ મર્યાદા પચીસ લાખ ટન કરી આપવામાં આવી હતી, પણ વધારાની ખાંડ વેચાઇ નહીં.
રાજ્યનાં સાકર કારખાનાઓ ખોટમાં
કેન્દ્ર સરકાર દ્વારા દરેક સાકર કારખાનાને મહિનાનો ક્વૉટા નક્કી કરી આપવામાં આવે છે. આ ક્વૉટા પૂર્ણ કરવા માટે કારખાનાઓ પર દબાણ હોય છે. ઇથેનોલ બનાવવા પર ભલે સરકાર ભાર આપતી હોય, પરંતુ કારખાનાઓનો મુખ્ય આર્થિક સ્રોત સાકરનું વેચાણ જ છે.