લોકો પાસે પૈસા માગવા રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવ્યું: વેપારી પકડાયો
મુંબઈ: વેપારીએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા પ્રફુલ્લ પટેલના નામ અને ફોટાનો ઉપયોગ કરીને નકલી વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવ્યું હતું અને કતારના રાજવી પરિવારના સભ્યો સહિત વિદેશના કેટલાક લોકો પાસે પૈસાની માગણી કરી હતી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.વેપારીની ઓળખ રાહુલ કાંત તરીકે થઇ હોઇ તે જુહુનો રહેવાસી છે. તેણે પેઇડ એપ્લિકેશનમાંથી રાષ્ટ્રવાદીના નેતાનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. મહારાષ્ટ્ર સાયબર પોલીસે તેને પકડી પાડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વેપારીએ પ્રફુલ્લ પટેલનું નામ અને ફોટાનો ડીપી તરીકે ઉપયોગ કરીને ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવ્યું હતું અને બાદમાં પૈસા માગવાનું શરૂ કર્યું હતું. તેણે વિદેશમાં રહેનારા લોકોને ટાર્ગેટ કર્યા હતા, જેમાં કતારના રાજવી પરિવારના સભ્યોનો સમાવેશ હતો.
23 જુલાઇએ આ ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે પ્રફુલ્લ પટેલના સહાયક વિવેક અગ્નિહોત્રીએ મહારાષ્ટ્ર સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પૈસા માગનાર અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે ગુનો દાખલ કરાયા બાદ તપાસ હાથ ધરાઇ હતી અને સાયબર યુનિટના અધિકારીઓએ વેપારીને જુહુથી ટ્રેસ કર્યો હતો. પૂછપરછ બાદ વેપારીને તાબામાં લેવામાં આવ્યો હતો. વેપારી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. આથી તેણે ઝટપટ પૈસા કમાવા માટે આ મોડસ ઑપરેન્ડનો ઉપયોગ કર્યો હતો. (પીટીઆઇ)