ડીએસપીનો પુત્ર હોવાનો દાવો કરી દારૂના નશામાં કોન્સ્ટેબલ સાથે ધક્કામુક્કી કરનારો પકડાયો
મુંબઈ: ડ્રન્ક એન્ડ ડ્રાઇવિંગ બદલ પકડાયેલા 35 વર્ષના યુવકે પોતે વરિષ્ઠ પોલીસ અધિકારીનો પુત્ર હોવાનો દાવો કરી ફરજ પર હાજર કોન્સ્ટેબલ સાથે ધક્કામુક્કી કરીને તેને ધમકી આપી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અંધેરી પશ્ર્ચિમના ચાર બંગલો વિસ્તારમાં શુક્રવારે આ ઘટના બની હતી અને વર્સોવા પોલીસે બાદમાં યુવક વિકાસ મિશ્રાની ધરપકડ કરી હતી.
કોન્સ્ટેબલ અન્ય પોલીસકર્મીઓ સાથે ચાર બંગલો વિસ્તારમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવિંગ માટે તપાસ કરી રહ્યો હતો ત્યારે તેણે વિકાસ મિશ્રાને રોક્યો હતો. વિકાસ દારૂના નશામાં વાહન ચલાવતો હતો એવું જણાતાં કોન્સ્ટેબલે તેને ડ્રાઇવિંગ લાઇસન્સ તથા અન્ય દસ્તાવેજો બતાવવા કહ્યું હતું. જોકે વિકાસ રોષે ભરાયો હતો અને કોન્સ્ટેબલ સાથે દલીલબાજી કરવા લાગ્યો હતો.
દરમિયાન પોતે ડીએસપી (ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ)નો પુત્ર હોવાનું જણાવીને કોન્સ્ટેબલને તેણે ગાળો ભાંડી હતી અને ધમકી આપી હતી.
આ પણ વાંચો: શસ્ત્રની ધાક દાખવી મહિલાને લૂંટી: ભૂતપૂર્વ રસોઇયો પકડાયો
એ સમયે ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ વીડિયો ઉતાર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ ઘટના બાદ વિકાસને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. વિકાસને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી. વિકાસે રૂ. 10 હજારનો દંડ ભર્યા બાદ તેને છોડી દેવાયો હતો. વિકાસ કાર્યક્રમોમાં સુરક્ષારક્ષકો પૂરા પાડવાનું કામ કરે છે. (પીટીઆઇ